ચુડા તાલુકામાં ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફલો થયો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ચુડા તાલુકામાં ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફલો થયો 1 - image


- નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

- ચુડા તાલુકામાં 5 ઈંચ અને લીંબડી તાલુકામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા અઠવાડીયાથી હવામાન વિભાગની આગાહીને પગલે ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં બે દિવસના વિરામ બાદ ફરી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી અને એક જ દિવસમાં લીંબડી, ચુડા તેમજ થાન તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા અઠવાડીયાથી શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં ધીમી ધારેથી લઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં બે દિવસના વિરામ બાદ ફરી જીલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે જીલ્લાના લીંબડી, ચુડા અને થાન તાલુકામાં એક દિવસમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં તા.૨૩ સપ્ટેમ્બરના રોજ સાંજના ૬-૦૦ વાગ્યાથી રાતના ૧૦-૦૦ વાગ્યા સુધી માત્ર ચાર કલાકામાં ચુડા તાલુકામાં ૧૨૦ મીમી (૫ ઈંચ), લીંબડી તાલુકામાં ૪૦ મીમી (૧.૫ ઈંચ) અને થાન તાલુકામાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચુડા તાલુકામાં ભારે વરસાદને પગલે નદી કાંઠે આવેલ ગઢની દિવાલ ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.

જ્યારે ચુડા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચુડા તાલુકાના ગોખરવાડા ગામનો ડેમ પણ ભારે વરસાદને પગલે ઓવરફલો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ખેડુતો અને ગ્રામજનોએ ગોખરવાડા ડેમને નર્મદાના પાણીથી ભરવા તંત્રને રજુઆતો કરી હતી ત્યારે વરસાદને કારણે ડેમ ભરાઈ જતા ખેડુતો સહિત લોકોની પાણીની સમસ્યા હાલ પુરતી હલ થઈ છે. આમ જીલ્લાના ત્રણ તાલુકામાં ફરી વરસાદ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી.



Google NewsGoogle News