વણોદમાં પરિવારને આશ્રમ છોડીને જતાં રહેવાની ધમકી આપી

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
વણોદમાં પરિવારને આશ્રમ છોડીને જતાં રહેવાની ધમકી આપી 1 - image


- અગાઉ કરેલી ફરિયાદનું મનદુઃખ રાખી

- ધમકી આપનાર બે શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ  

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા પરિવારને અગાઉ કરેલી ફરિયાદ બાબતનું મનદુઃખ રાખી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની દસાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા અને ગૌશાળામાં સેવા કરતા ફરિયાદી નરેશભાઈ ધુડાભાઈ ભટ્ટ કામ અર્થે શંખેશ્વર ગયા હતા. જે દરમિયાન આશ્રમમાં પત્ની અને દીકરાઓ એકલાં હતાં. 

ત્યારે વણોદ ગામમાં રહેતો અરબાજ ઉર્ફે ડીકો મકબુલભાઈ અને તેના માસીનો દિકરો રફીકભાઈ રહિમભાઈ સુમરા (રહે.જૈનાબાદ)એ છરી સાથે આવી ફરિયાદીના પત્ની અને પરિવારજનોને અપશબ્દો બોલી અગાઉ કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું અને વળતર આપવાનું જણાવ્યું હતું. તેમજ આશ્રમ છોડી નહિ જાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 તેમજ બન્ને શખ્સોએ ફરિયાદીને પણ ફોન કરી અગાઉ કરેલા કેસ બાબતે સમાધાન કરવાનું જણાવી વળતર આપવાની માંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદીએ દસાડા પોલીસ મથકે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News