ધ્રાંગધ્રાના ચૂલી નજીક વંદે ભારત રેપિડ ટ્રેનનો અકસ્માત
- એન્જિનના ભાગે નુકસાન
- ગાય અથડાતા એન્જિન પાસે લગાવેલું પતરું નીકળી ગયું : કોઈ જાનહાની નહીં
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના ચૂલી નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં અને મોટી દુઘર્ટના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુનઃ રવાના થઇ હતી.
ગુજરાતમાં વંદે ભારત ટ્રેન રેલવે ટ્રેક પર દોડવાની શરૃ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં આ ટ્રેનને અકસ્માત નડયા છે, ત્યારે ગુરૃવારે ફરી એકવાર ધ્રાંગધ્રાના ચૂલી નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. અમદાવાદ અને કચ્છ વચ્ચે ચાલતી વંદે ભારત રેપિડ ટ્રેન મોડી સાંજના સમયે અમદાવાદ તરફથી ધાંગધ્રા થઈને કચ્છ તરફ આગળ વધી રહી હતી. ત્યારે ધાંગધ્રા તાલુકાના ચુલી રેલવે સ્ટેશન નજીક ટ્રેનના આગળના ભાગમાં ગાય અથડાવાના કારણે ટ્રેનના આગળના ભાગે રહેલા એન્જિનમાં લગાવામાં આવેલું પતરૃ નીકળી ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી કરીને ટ્રેન તેના નિયત સમય કરતા થોડી મોડી હળવદ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. જોકે, કોઈ મોટી નુકસાની ન હોવાના કારણે ટ્રેનને આગળ કચ્છ તરફ રવાના કરવામાં આવી હતી. ટ્રેન ધડાકાભેર ગાય સાથે અથડાતા ટ્રેનમાં મુસાફરોના શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા.