સુરેન્દ્રનગર જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો
- બે દિવસ વરસાદની આગાહી
- કાળાસર અને ખેરાડીમાં કરા સાથે વરસાદ, ચોટીલામાં ધોધમાર વરસાદથી પાણી રસ્તા પર ફરી વળ્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં શનિવારે જિલ્લાના ચોટીલા, લીંબડી, દસાડા, ચુડા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ શનિવારે બપોરે અચાનક ઠંડા પવન સાથે કેટલાક તાલુકાઓમાં ધોધમાર કમોસમી વરસાદનું આગમન થયું હતું. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડયા હતા. જ્યારે ચોટીલા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
જ્યારે ચોટીલાના કાળાસર અને ખેરડીમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત લીંબડી, ચુડા સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં, દસાડાના રણકાંઠા વિસ્તારના ઝીંઝુવાડા, ધામા, ભલગામ સહિતના ગામોમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
જ્યારે જિલ્લામાં કમૌસમી વરસાદથી જીરૂ, વરીયાળી સહિતના ઉભા પાકોને નુકશાની જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી . હજુ પણ આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરેન્દ્રનગર જિલ્લાનું વહિવટીતંત્ર સતર્ક બન્યું છે અને ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડી લેવા સહિતના સાવચેતીના પગલા ભરવા તાકીદ કરવામાં આવી છે.