સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ 1 - image


- સુરેન્દ્રનગર અને વઢવાણા શહેરી વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી 

- લીંબડી, ચૂડા, ધ્રાંગધ્રા, મુળી, લખતર, સાયલા, થાન સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો ઃ તા. ૧૬મી સુધી કમોસમી વરસાદની આગાહી ઃ તલ, બાજરો સહિતના ઉનાળુ પાકને નુક્સાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે છુટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

આગામી ચાર-પાંચ દિવસ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બપોર બાદ વાતારવણમાં પલટો આવ્યો હતો.

 સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. ધુળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી બાજુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, મુળી, લખતર, સાયલા, થાન સહિતના તાલુકાઓ અને આસપાસના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ, ચોટીલા-રાજકોટ, ધ્રાંગધ્રા-માલવણ સહિતના હાઈવે પર પણ વાતાવરણની અસર જોવા મળી હતી.

 ભારે પવન અને ધુળની ડમરીઓના કારણે વીઝીબિલિટી ઓછી  થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દિવસ દરમિયાન વાહનોની લાઈટો ચાલુ રાખી મુસાફરી કરવી પડી હતી. 

જ્યારે કમોસમી વરસાદને પગલે ઝાલાવાડના ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. તલ,  ગમગુવાર,  ધાસચારો, શાકભાજી, ઉનાળુ બાજરો સહિતના પાકોને કમૌસમી વરસાદને પગલે મોટાપાયે નુકસાની જવાની ભીતી સેવાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. 

હવામાન વિભાગ દ્વારા આગામી ૧૬ મે સુધી કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી  હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે. 

છેલ્લા ૧૦ દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચતા ઝાલાવાડવાસીઓ ગરમીથી અકળાયા હતા. તેવામાં વાતાવરણમાં પલટો આવતાં એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.



Google NewsGoogle News