ચમારજ રેલ્વે ફાટક પર ગેટમેઇન પર અજાણ્યા શખ્સોનો હુમલો
- વહેલુ ફાટક ખોલાવની ના પાડતા
- સ્ટેશન માસ્તરને પણ ફોન પર ગાળો આપી : હુમલો કરી ત્રણ શખ્સો નાસી છુટયા
સુરેન્દ્રનગર : વઢવાણના ચમારજ રેલ્વે ફાટક પર કર્મચારીને અપશબ્દો બોલી અજાણ્યા શખ્સો હુમલો કરી નાસી છુટયા હતા. કારમાં આવેલા ત્રણ શખ્સોએ સ્ટેશન માસ્તરને પણ ફોન પર ગાળો ભાંડી હતી. સુરેન્દ્રનગર રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના ચમારજ રેલવે ફાટક પર ગેઈટમેન જયેશભાઈ વજુભાઈ ઉડેચાએ સુરેન્દ્રનગર તરફથી ટ્રેન આવતી હોવાથી ફાટક બંધ કરી હતી. ત્યારે દાણાવાળા ગામ તરફથી આવતી એક કારમાં સવાર ચાલક સહિતના શખ્સોએ કાર ઉભી રાખી સતત હોર્ન વગાડયા હતા. ત્યાર બાદ ત્રણ શખ્સોએ કારમાંથી નીચે ઉતરી જયેશભાઈ સાથે બોલાચાલી કરી જલદીથી ફાટક ખોલી નાંખવાનું જણાવ્યું હતું. જયેશભાઈએ ફાટક કોમ્પ્યુટરરાઈઝ હોવાથી ટ્રેન પસાર ન થયા ત્યાં સુધી ખોલી શાય નહીં તેમ જણાવતા અજાણ્યા શખ્સોએ ગાળો આપી હતી અને સ્ટેશન માસ્ટર સાથે ટેલીફોનીક વાત કરાવતા તેઓને પણ ગાળો આપી હતી. અજાણ્યા શખ્સો જયેશભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી નાસી છુટયા હતા. રેલવે કર્મચારીએ ત્રણ અજાણ્યા શખ્સો સામે સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.