Get The App

ઝાલાવાડમાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા તાલુકામાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડમાં સાર્વત્રિક મેઘમહેર : ચુડા તાલુકામાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ 1 - image


- પખવાડિયા સુધી વરસાદ ખેંચાયા બાદ ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર

- ચોટીલા, મુળી, લખતર, લીંબડી સહિતના તાલુકાઓમાં અડધોથી એક ઈંચ વરસાદ : સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વરસાદ પડયા બાદ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ ખેંચાયો હતો. ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સોમવારે મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડીરાત્રે જિલ્લામાં સાર્વત્રિક ઝરમરથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેમાં ચુડા તાલુકામાં મોડી રાત્રે બે કલાકમાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. 

ઝાલાવાડમાં સામાન્ય રીતે તા.૧૫ જૂન આસપાસ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ જાય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ વરસાદ તા.૧૦ જૂન આસપાસ નોંધાયો હતો. ત્યારબાદ છેલ્લા ૧૦-૧૨ દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત જિલ્લાવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 

તેવામાં ગત તા.૨૪ જૂનના રોજ મોડીસાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડીરાત્રે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જિલ્લાના લીંબડી, ચુડા, ચોટીલા, થાન, લખતર, મળી, પાટડી સહિતના તાલુકાઓમાં ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

ચુડા તાલુકામાં આભ ફાટયુ હોય તેમ મોડી રાત્રે બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. ચુડા તાલુકાના છત્તરિયાળા,રામદેવગઢ, ઝીંઝાવદર, ગોખરવાળા, કારોલ, કુડલા,ભૃગુપુર, ચોકડી, કોયડા, ભેંસજાળ, જોબાળા, કરમડ, સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને ખેડૂતોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. 

વરસાદને પગલે સુરેન્દ્રનગરના મુખ્યમાર્ગો સહિત  રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેમાં ૮૦ ફૂટ રોડ, ટી.બી.હોસ્પીટલ પાછળનો વિસ્તાર, નુરેમહંમદી સોસાયટી, નવા જંકશન વિસ્તાર, રતનપરના છેવાડાનો વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી.

સોમવારને તા.૨૪ જૂનના રોજ સવારના ૬ વાગ્યાથી તા.૨૫ જૂનને મંગળવારે સાંજના ૬ વાગ્યા સુધી જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા-૦૦ મીમી, દસાડા-૦૫ મીમી, લખતર-૧૨ મીમી, વઢવાણ-૧૪ મીમી, મુળી-૨૫ મીમી, ચોટીલા-૩૬ મીમી, સાયલા-૨૦ મીમી, ચુડા-૯૦ મીમી, લીંબડી-૧૮ મીમી અને થાન તાલુકામાં-૦૬ મીમી વરસાદ નોંધાયો હતો. 

 હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચાર-પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં  ચુડા તાલુકામાં સૌથી વધુ માત્ર બે કલાકમાં ૯૦ મીમી (અંદાજે ૩.૫ ઈંચ), ચોટીલા-૨૫ મીમી (૧ ઈંચ), મુળી-૧૪ મીમી (૦.૫ ઈંચ) નોંધાયો હતો.



Google NewsGoogle News