પાટડીમાં જપ્ત કરાયેલી દારૂ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ
- વાહનોમાં ભરી સગેવગે કરતા રંગેહાથ ઝડપાયા
- બજાણા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારી અને એક જીઆરડી જવાન ઝડપાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા ૫ોલીસના અલગ-અલગ ડિવીઝનો હેઠળ આવતા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂ અને બીયર સહિતના મુદ્દામાલનો સમયાંતરે નાશ કરવામાં આવે છે ત્યારે પાટડી તાલુકામાં આવેલ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાય તે પહેલા જ ગણતરી દરમ્યાન ઈંગ્લીશ દારૂના જથ્થાની ઘટ જણાઈ આવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પાટડી પોલીસ લાઈનના કંમ્પાઉન્ડમાં સંગ્રહ કરેલ ઈંગ્લીશ દારૂનો પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડીના જવાન દ્વારા અલગ -અલગ વાહનોમાં ભરી જવાની તૈયારી પહેલા જ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી અને આ મામલે બજાણા પીએસઆઈ, પોલીસ કર્મચારી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
પાટડી તાલુકાના બજાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા રહે.પાટડી, ભાવેશભાઈ જયંતીલાલ રાવલ રહે.બજાણા પોલીસ સ્ટેશન અને ગોવિંદભાઈ મયાભાઈ રહે.પાટડી તેમજ જીઆરડી જવાન યોગેશભાઈ કાળુભાઈ મેરાણી રહે.બજાણાવાળાઓ દ્વારા એકસંપ થઈ પાટડી પોલીસ લાઈનના કંમ્પાઉન્ડમાં રાખેલ ડમ્પર અને આઈશરમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો ૨૦૬ જે અલગ-અલગ કારમાં ભરી હતી અને કિંમત રૂા.૯૬,૩૦૦ની કિંમતની અલગ-અલગ વાહનોમાં ભરી બારોબાર વેચાણ અર્થે લઈ જવાની તૈયારીમાં હતા તેમને ઝડપી પાડયા હતા.
જ્યારે બજાણા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ મુદ્દામાલની ગણતરી કરતા નાની-મોટી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦૬ કિંમત રૂા.૧,૮૮,૫૬૦ના મુદ્દામાલની ઘટ જણાઈ આવી હતી. આ ઉપરાંત રેઈડ દરમ્યાન મુદ્દામાલના રૂમની આસપાસ તેમજ પોલીસ લાઈનના પાછળના ભાગે અને પોલીસલાઈનના પંપરૂમની આજુબાજુમાંથી પણ અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૨૦૫ કિંમત રૂા.૯૦,૫૦૦ મળી આવી હતી આમ બજાણા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાન દ્વારા જ અલગ-અલગ ગુન્હાઓમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂ સહિતના મુદ્દામાલને પોતાના આર્થિક ફાયદા માટે વેચવા તેમજ સગેવગે કરે તે પહેલા જ ઝડપાઈ જતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો .
અને આ મામલે બજાણા પીએસઆઈ એસ.પી.ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી. આ બનાવ મોડીરાતનો હોવા છતાં બીજે દિવસે બપોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ વિભાગના અલગ-અલગ બે ગૃપ દ્વારા પોલીસ કર્મચારીઓ સામે જ ફરિયાદ નોંધવી કે કેમ તે મુદ્દે સામસામે આવી જતા ચર્ચાનો વિષય બન્યો હતો.