પાટડીના ગેડીયમાં પૈસાની ઉઘરાણીમાં બહેન-ભાણેજ પર મામાનો હુમલો
- મહિલાએ ભાઇ અને ભત્રીજા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી
- ડ્રોની ટિકિટના પૈસા મામલે ભાઇએ બહેન અને બે ભાણેજને મારી નાંખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ગેડીયા ગામે રહેતા આધેડ મહિલા અને તેના પુત્રોને ઇનામી લક્કી ડ્રો ટિકિટના બાકી પૈસા મામલે મહિલાના સગાભાઇ અને ભત્રીજાએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ બજાણા પોલીસ મથકે ભાઇ અને ભત્રીજા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકાના ગેડીયા ગામે રહેતા અમિનાબેન રહીમખાન સાંઘાજી મલેકે સુરેન્દ્રનગર ખાતે રહેતા તેમના ભાઇ બિસ્મિલ્લાખાન ઉર્ફે બાબીલ મામદખાન મલેક પાસેથી ઇનામી લક્કી ડ્રોની ટીકીટ લીધી હતી. જેના પૈસા આપવાના બાકી હોવાથી તેની ઉઘરાણી મામલે બિસ્મિલ્લાખાન અને તેનો પુત્ર સાહિલખા ગેડીયા ધસી આવ્યા હતા અને બાકી રૃપિયાની માંગણી કરી હતી. તે સમયે અમિનાબેને પૈસાની ચૂકવણી કરવા થોડો સમય માંગતા ઉશ્કેેરાયેલા બિસ્મિલ્લાખાન અને સાહિલખાન ગાળો આપી વધારે રૃપિયાની માંગણી કરી હતી. દરમિયાન અમિનાબેનનો પુત્ર સમશેરખાન આવી સમજાવટ કરવા જતાં તેને ગાળો આપી બે લાફા ઝીંકી દીધા હતાં તેમજ અમિનાબેન ઝઘડો શાંત કરવા વચ્ચે પડતા અમિનાબેનને ઢીકાપાટુનો માર માર્યોે હતો. તે દરમિયાન અમિનાબેનનો બીજો પુત્ર સિકંદરખાન દોડી આવતા તેને પણ લાંફા મારી દીધા હતાં અને જો રૃપિયા નહીં આપે તો તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપતા અમિનાબેને બજાણા પોલીસ મથકે ભાઇ બિસ્મિલ્લાખાન મામદખાન મલેક અને ભત્રીજા સાહીલખાન બિસ્મિલ્લાખાન મલેક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની હાથ ધરી છે.