Get The App

કોઠારિયા પાસે ડમ્પરની અડફેટે બાઈક સવાર બે યુવકોના મોત

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
કોઠારિયા પાસે ડમ્પરની અડફેટે બાઈક સવાર બે યુવકોના મોત 1 - image


- તલસાણાના યુવકોને અકસ્માત નડયો

- બેફામ દોડતા ડમ્પર સામે કાર્યવાહી કરવા રોષે ભરાયેલા લોકોની માંગ

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ પાસે લખતર હાઈવે પર ડમ્પરની અડફેટે બે યુવકોના અકસ્માતમાં મોડીરાત્રે મોત નીપજ્યા હતા. આ બનાવથી મૃતકોના પરિવારજનો સહિત સમસ્ત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લખતર તાલુકાના તલસાણા ગામના  વિક્રમભાઈ મનજીભાઈ કડમીયા (ઉં.વ.૩૫) અને ધનજીભાઈ ગટુરભાઈ છારદીયા (ઉં.વ.૨૫) બન્ને બાઈક પર તલસાણાથી કોઠારિયા ભાગવત સપ્તાહ અંતર્ગત રાત્રે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ તેમજ મેળો માણવા જઈ રહ્યા હતા અને વઢવાણથી કોઠારિયા તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા ડમ્પરનાચાલકે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને યુવકો અંદાજે ૧૫૦ થી ૨૦૦ મીટર સુધી રોડ પર ઘસડાયા હતા. જેમાં ધનજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિક્રમભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જે બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ વઢવાણ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બેફામ અને પુરઝડપે ડમ્પર સહિત ભારે વાહનો ચાલી રહ્યાં છે, ત્યારે વધુ એક વખત બેફામ દોડતા ડમ્પરે બાઈકને અડફેટે લેતાં બે પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રોને ગુમાવવાનો વારો આવ્યો હોવાથી પરિવારમાં રોષ વ્યાપ્યો છે.  તથા આવા બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Google NewsGoogle News