ચોટીલા હાઈવે પર કારમાં દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ચોટીલા હાઈવે પર કારમાં દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા 1 - image


- દારૃ સહિત 5.34 લાખનો મુદ્દામાલ જપ્ત 

- એસએમસીએ બે દિવસમાં બીજો દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ 

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કારમાંથી રૃ.૨૩ હજારના દારૃ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીએ રૃ.૫.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ બે દિવસમાં બે તાલુકામાં દરોડો કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.  

એસએમસીએ રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલી કનૈયા હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી હતી. કારની તલાશી લેતા દારૃ અને બીયરના ટીન મળી કુલ ૧૩૩ બોટલો મળી આવી હતી. 

એસએમસીએ કારમાં સવાર કુલદિપભાઈ રણજીતભાઈ ખાચર (રહે. કાંધાસર, તા.ચોટીલા) અને તુષાર રવિભાઈ ખોખરીયા (રહે. આટકોટ, તા.જસદણ)ની પુછપરછ કરતા આ હેરાફેરીમાં સંજયભાઈ ભુપતભાઈ ખાચર (રહે. કાંધાસર, તા. ચોટીલા)ની સંડોવણી હોવાની કબુલાત કરી હતી. 

એસએમસીએ રૃ.૨૨,૯૦૦ની કિંમતનો દારૃ, ૨ મોબાઈલ, કાર સહિત રૃ.૫.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં બે દિવસમાં બે તાલુકાઓમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ ઈંગ્લીશ દારૃ લાવવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠયા છે.



Google NewsGoogle News