મોટી મજેઠીમાંથી દારૂની ખેપ મારતા બે શખ્સો ઝડપાયા
- 21 હજારનો મુદ્દામાલ જપ્ત
- ડીવાયએસપી સ્ક્વોર્ડે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કોર્ડની ટીમે દસાડા તાલુકાના મોટી મજેઠી ગામના બસ સ્ટેન્ડ નજીકથી બાઇકમાં દેશી દારૂની ખેપ મારતા બે શખ્સોને દેશી દારૂ સહિત કુલ રૂા.૨૧,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કોર્ડની ટીમને બાતમી મળી હતી કે, મોટી મજેઠી ગામે બે શખ્સો બાઇકમાં દેશી દારૂની હેરફેર કરી રહ્યાં છે. જેના આધારે પોલીસ ટીમે બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ પસાર થતાં કરણભાઇ ધીરૂભાઇ માથાસુરીયા અને ધનજીભાઇ હરજીભાઇ માથાસુરીયા (બંને રહે. ભાસ્કરપરા, તા. લખતર)ને અટકાવ્યા હતા.
તેની તલાશી લેતા તેમની પાસેથી ૬૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે દેશી દારૂ તથા બાઇક સહીત કુલ રૂા.૨૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા આ દેશી દારૂનો જથ્થો પાટડી તાલુકાના છાબલી ગામના વિનુભાઇ મનજીભાઇ કોળીએ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ત્રણેય શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી દેશી દારૂનો જથ્થો મોકલનાર શખ્સને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.