Get The App

16590 લિટર ડિઝલનો સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
16590 લિટર ડિઝલનો સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા 1 - image


- ચોટીલા-લીંબડી હાઈવે પર આવેલા ઢાબા નજીકની ઓરડીમાંથી 

- 12.11 લાખના ડિઝલના જથ્થા સહિત 25.54 લાખનો મુદ્દામાલ જપ્ત : ચોટીલાનો શખ્સ ડિઝલ ચોરીનું કૌભાંડ ચલાવતો હોવાનું ખુલ્યું : એસએમસીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ   

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર બાયોડિઝલ તેમજ પેટ્રોલ, કેમીકલ સહિતના જથ્થાનું ગેરકાયદે સંગ્રહ કરી વેચાણ અને હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ ઉઠયા છે. તેવામાં ચોટીલા-લીંબડી હાઈવે પર પંપની બાજુમાં ઓરડીમાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ.૧૨.૧૧ લાખના ગેરકાયદે ડિઝલના જથ્થા સહિત રૂ.૨૫.૫૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીએ ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર મોટાપાયે ગેરકાયદેસર રીતે કેમીકલ, બાયોડિઝલ, પેટ્રોલ સહિતની ચીજવસ્તુઓની હેરાફેરી કરી તેનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. જમાં હાઈવે પરથી પસાર થતા ટ્રક, ટેન્કર અને ભારે વાહનોના ડ્રાઈવરની મીલીભગતથી હાઈવે પર કોઈ જગ્યાએ હોટલ કે ઢાબાની આસપાસ ટ્રકને ઉભા રાખી તેમાંથી ગેરકાયદે રીતે પેટ્રોલ, ડિઝલ સહિત કેમીકલની ચોરી થતી હોવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરને મળી હતી. 

જેના આધારે એસએમસી ટીમે ચોટીલા-લીંબડી હાઈવે પર આવેલા યુપી-બિહાર-ઝારખંડા ઢાબાની પાસે આવેલી ઓરડીમાં દરોડો કર્યો હતો. એસએમસીએ ટ્રક ડ્રાઈવર દિનેશ છનાભાઈ પરમાર (રહે. ઉપલેટા, જિ. રાજકોટ) અને વિજેય દિનેશભાઈ સુરેલા (રહે.ચોટીલા)ને ૧૬,૫૯૦ લિટર ડિઝલ કિંમત રૂા.૧૨.૧૧ લાખ, ટ્રક, રોકડ રૂા.૨૬,૦૦૦, ડિઝલ સંગ્રહ કરવા માટેની પ્લાસ્ટીકની ૭ ટાંકી, ૧ ડિસ્પેન્સર મશીન, પાઈપ સાથે બે ડિસ્પેન્સર મશીન સહિત કુલ રૂા.૨૫.૫૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

 જ્યારે ધંધો કરનાર મુખ્ય આરોપી દિવ્યરાજ ઉર્ફે દેવુ સુરેશભાઈ વાળા (રહે. ચોટીલા) અને ડિઝલનો જથ્થો પુરો પાડનાર અજાણ્યો શખ્સ હાજર મળી આવ્યા નહોતા. એસએમસીએ કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ કે રેઈડ કરવામાં આવી નહોતી અને ગાંધીનગર એસએમસીની ટીમે દરોડો કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠયા છે. 



Google NewsGoogle News