કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લેવાયા
- મુળી પોલીસે કુકડા ગામ પાસેથી ઝડપ્યા
- ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂ તેમજ કાર સહિત કુલ રૂા.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરેન્દ્રનગર : મુળી પોલીસે બાતમીના આધારે કુકડા ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન દેશી દારૂ ભરેલી કાર પસાર થતાં અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર મારી મુકી હતી ત્યારે મુળી પીએસઆઇ સહીતની ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કરી લીમલી નજીકથી કાર ઝડપી પાડી દેશી દારૂ અને કાર સહીત કુલ રૂપિયા ૧.૬૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મુળી પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે સામતપર ગામ તરફથી એક કારમાં દેશી દારૂનો જથ્થો ભરી સુરેન્દ્રનગર લઇ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે મુળી પોલીસે કુકડા ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર ભગાડી હતી. આથી મુળી પોલીસ ટીમે કારનો પીછો કરી લીમલી ગામ નજીક કાર ઝડપી લીધી હતી.
અને કારની તલાશી લેતા કારમાંથી ૨૫૦ લીટર દેશી દારૂ સાથે કારના ચાલક પ્રવિણ ઉર્ફે જબુત અજુભાઇ ડેડાણીયા અને હસમુખ પ્રતાપભાઇ દેત્રોજાને દેશી દારૂ, મોબાઇલ તથા કાર સહીત કુલ રૂા.૧,૬૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.