ભદ્રેશી-લટુડા વચ્ચે રિક્ષાની ટક્કરે બાઈક સવાર બે વ્યક્તિને ઈજા
- યુવકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો
- વઢવાણ જીઆઈડીસી જઈ રહેલા ભાઈ-બહેનને અકસ્માત નડયો
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ભદ્રેશી અને લટુડા ગામ વચ્ચે રિક્ષાએ બાઇકને ટક્કર મારતા બાઈકમાં સવાર ભાઇ-બહેન બંને નીચે પટકાતા ઇજાઓ પહોંચી હતી. આ અંગે રિક્ષાના ચાલક વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વઢવાણના ભદ્રેશી ગામે રહેતા મોનાક્ષીબેન સોમજીભાઇ સોલંકી વઢવાણ જીઆઇડીસીમાં આવેલા કારખાનામાં ફરજ બજાવે છે. તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ મોનાક્ષીબેન અને તેમના ભાઇ યશપાલ બાઇક લઇ સુરેન્દ્રનગર તરફ આવી રહ્યાં હતાં.
તે દરમિયાન ભદ્રેશી અને લટુડા વચ્ચે આવેલા વળાંક પાસે એક રિક્ષાના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે રિક્ષા ચલાવી બાઇક સાથે અકસ્માત સર્જતા બાઇકમાં સવાર ભાઇ-બહેન નીચે પટકાયાં હતાં. ૧૦૮ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં.
જ્યાં યશપાલભાઇને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે. આ અંગે જોરાવરનગર પોલીસે રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.