સુરેન્દ્રનગરમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર સગીર સહિત બે શખ્સો ઝડપાયા
- લૂંટની ટીપ આપનાર મૂખ્ય આરોપી ફરાર
- લૂંટની રકમ 18.20 લાખ પૈકી 2.53 લાખ રોકડ, છરી અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસો પહેલા એક જ દિવસમાં લૂંટના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં શહેરની મધ્યમાં આવેલા મેગામોલ પાસે છરીની અણીએ દિન-દહાડે રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી લૂંટના બે આરોપીઓની ઓળખ કરી સગીર સહિત બે શખ્સોને લૂંટની રકમ અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલા બાઈક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરની ચીમનલાલ ભગવાનજીભાઈ પેઢીમાં કામ કરતા બે કર્મચારીઓ કિશોરભાઈ પંડયા અને હસમુખભાઈ શેઠ તા. ૧૮ જુલાઈના રોજ ધંધાની રકમ રોકડ રૂા.૧૮.૨૦ લાખ થેલીમાં ભરી બસ સ્ટેન્ડ રોડ પર આવેલી ખાનગી બેંકમાં જમા કરાવવા ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા.
ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને ઈજા પહોંચાડી રોકડ ભરેલી થેલીની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. દિન દહાડે થયેલી લૂંટ અંગેની જાણ થતાં એલસીબી, એસઓજી, બી-ડિવીઝન પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે સીસીટીવી કેમેરા ચેક કરતા લૂંટ ચલાવનાર બન્ને શખ્સો ધ્રાંગધ્રા તરફ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. બંને શખ્સો વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે લૂંટ કરનાર એક સગીર સહિત બે શખ્સોને મુળચંદ રોડ પરથી ઝડપી પાડયા હતા.
બંનેની પુછપરછ કરતા લૂંટને અંજામ આપતા પહેલા અગાઉ બન્નેએ રેકી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા અન્ય એક શખ્સે લૂંટ કરવા માટેની ટીપ આપી હોવાનું કબુલ્યું હતું. તેમજ લૂંટ પૈકીની કેટલીક રકમ, છરી અને બાઈક સહિતનો મુદ્દામાલ સગીર આરોપીના મુળ વતન દુદાપુર ગામે તેના દાદીના ઘરે જમીનમાં દાટયો હોવાની કબુલાત કરતા પોલીસે દુદાપુર જઈ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તેમજ લૂંટની ટીપ આપવાની મુખ્ય ભુમીકા ભજવનાર આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
દિન-દહાડે થયેલી લૂંટના આરોપીઓ
(૧) મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા (રહે. ગણપતિ ફાટસર)
(૨) એક સગીર (રહે. સુરેન્દ્રનગર)
(૩) માર્શલ અમરનાથ આર્ય (રહે. ગણપતિ ફાટસર, ટીપ આપનાર મુખ્ય અને ફરાર આરોપી)
લૂંટના બનાવમાં રીકવર કરેલો મુદ્દામાલ
પોલીસે સગીર સહિત બે શખ્સોને રોકડ રૂા.૨.૫૩ લાખ, ગુનામાં વપરાયેલી છરી, મોબાઈલ નંગ-૧, ગુનામાં વપરાયેલા બાઈક સહિતનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.