વઢવાણના બલદાણા પાસે બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા બે વ્યક્તિઓના મોત

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
વઢવાણના બલદાણા પાસે બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા બે વ્યક્તિઓના મોત 1 - image


- અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક કેબીનમાં ફસાઇ જતાં ગંભીર ઇજાગ્રસ્ત 

- ટ્રકનું ટાયર ફાટી જતાં જેક મારી રહેલા ડ્રાઇવર સહિત બે વ્યક્તિ ટ્રક નીચે દબાઇ જતાં ગંભીર ઇજાઓના લીધે મૃત્યુ પામ્યા

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના બલદાણા ગામ નજીક બંધ પડેલા ટ્રક પાછળ ટ્રેલર ઘુસી જતાં અકસ્માતમાં ટ્રકનું ટાયર બદલાવી રહેલા ટ્રકના ચાલક સહિત બે  વ્યક્તિઓના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક પણ અકસ્માતગ્રસ્ત ટ્રેલરની કેબીનમાં ફસાઇ જતાં તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વઢવાણ પોલીસ ટીમને જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે ફરીએક વાર અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર બલદાણા ગામ નજીક અકસ્માત સર્જાતા હાઇવે રક્તરંજીત બન્યો હતો અને અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. 

પોરબંદરના ખાંભોદ ગામના પરબત ઉર્ફે ડોગો સાજણભાઇ ગોઢાણીયા અને તેમના કાકા રાણાભાઇ રાજાભાઇ ગોઢણીયા રાણાવાવથી ટ્રકમાં સિમેન્ટ ભરી ધરમપુર ખાલી કરવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન બલદાણા નજીક ટ્રકમાં ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર ફાટી જતાં ટ્રક સાઇડમાં રાખી જેક મારી રહ્યાં હતા પરંતુ, ટ્રકમાં સિમેન્ટ ભરેલી હોવાથી એક જેક લાગતો ન હતો આથી ટ્રકના ચાલક પરબતભાઇએ અમદાવાદ તરફ ટ્રક લઇ ગયેલા કૌટુંબિક ભાઇ બાલુભાઇ ઉર્ફે કાનાભાઇ નાગાભાઇ ગોઢાણીને વધુ એક જેકની જરૂરિયાત માટે ફોન કર્યો હતો. આથી બાલુભાઇ થોડી વારમાં ત્યાં આવી પહોંચતા બાલુભાઇ અને પરબતભાઇ બંને ટ્રક નીચે જેક લગાવી રહ્યાં હતા અને રાણાભાઇ બાલુભાઇની ટ્રકમાંથી જેક લેવા ગયા હતા તે દરમિયાન રાજકોટ તરફથી આવતા ટ્રેલરના ચાલકે ધડાકાભેર ટ્રક પાછળ ટ્રેલર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નીચે જેક લગાવી રહેલા પરબતભાઇ તેમજ બાલુભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયાં હતા અને ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે ટ્રકના ચાલક પરબતભાઇ ગોઢાણીયા તથા બાલુભાઇ ઉર્ફે કાનાભાઇ નાગભાઇ ગોઢાણીને મૃત જાહેર કર્યાં હતાં. 

જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલરનો ચાલક પણ અકસ્માતગ્રસ્ત ટ્રેલરના કેબીનમાં ફસાઇ જતાં પોલીસ અને સ્થાનિકોની મદદથી મહામહેનતે તેને બહાર કાઢવામાં આવ્યો હતો તેને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માતના બનાવ અંગે મૃતક ટ્રક ચાલક પરબતભાઇના કાકા રાણાભાઇ દ્વારા અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલક વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મદદ કરવા આવેલા કૌટુંબિક ભાઇને મોત મળ્યું

પરબતભાઇના ટ્રકનું ટાયર ફાટી ગયા બાદ જેક મારી ટાયર બદલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રકમાં સિમેન્ટ ભરેલી હોય વજન વધુ હોવાના કારણે એક જેકથી ટ્રક ઉંચો થતો ન હતો આથી અમદાવાદ તરફ ટ્રક લઇ ગયેલા કૌટુંબિક ભાઇ બાલુભાઇ ગોઢાણીને મદદ માટે પરબતભાઇએ ફોન કરતા અડધો કલાકમાં બાલુભાઈ ત્યાં પહોંચ્યા હતા અને જેક મારવા માટે મદદ કરી રહેલા બાલુભાઈનું પણ અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડયું હતું.


Google NewsGoogle News