Get The App

વટામણ ચોકડી પર બેકાબૂ ટ્રેલર પલટી ખાઇ જતા નીચે દબાઈ જવાથી બે વ્યકિતનાં મોત

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
વટામણ ચોકડી પર બેકાબૂ ટ્રેલર પલટી ખાઇ જતા નીચે દબાઈ જવાથી બે વ્યકિતનાં મોત 1 - image


- બગોદરા તરફથી પૂરઝડપે ટ્રેલર આવતા ગોઝારો અકસ્માત સર્જાયો 

- મોટું સર્કલ, દબાણ અને શટલિયાની અડચણના લીધે અકસ્માત વધ્યા : સર્કલ નાનું કરવાની માંગણી

- ધોળકાના વટામણ અને ભોળાદના રહેવાસીના મૃત્યુ ઃ રોડની સાઇડમાં ઉભેલા લારી-ગલ્લાવાળા સહિત સાત વ્યકિત અડફેટે આવતા ઇજા થતાં સારવાર માટે ખસેડાયા

 બગોદરા : ધોળકા તાલુકામાં વટામણ ચોકડી ખાતે બેકાબુ ટ્રેલર પલટી જતા સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં ધોળકાના વટામણ અને ભોળાદ ગામના બે વ્યકિતનાં ટ્રેલર નીચે દબાઈ જવાથી મોત થયા છે. જ્યારે ૫થી ૭ લોકો ટ્રેલરની અડફેટે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બગોદરા તરફથી પુરપાટ આવતું એક ટ્રેલર વટામણ સર્કલ પાસે જ પલટી મારી જતાં રોડ લારી- ગલ્લાવાળાઓ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો ટ્રક નીચે દબાઈ ગયા હતા. 

આ બનાવની જાણ ૧૦૮ને થતા એમ્બ્યુલન્સો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોઠ અને ધોળકા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારે ક્રેનની મદદથી ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. 

આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી મુજબ હાલ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે. જેમાં મયુરભાઈ હરજીભાઈ મકવાણા (રહે. વટામણ, તા. ધોળકા) અને રણજીતભાઈ લાલજીભાઈ વાઘેલા (રહે. ભોળાદ, તા. ધોળકા)નો સમાવેશ થાય છે. જ્યારે પાંચ જેટલા ઘાયલોને સારવાર માટે ધોળકાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે ઇજાગ્રસ્તોની ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલુ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વટામણ ચોકડી ખાતે મોટાપાયે લારી-ગલ્લાવાળાઓનું દબાણ છે. આ ઉપરાંત શટલિયા ઇકો-ગાડીવાળાઓ અડચણરૂપ વાહનો ઉભા રાખી દબાણ કરે છે. છતાં કોઠ પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતું હોવાથી અવાર નવાર માર્ગ અકસ્માતના બનાવ બને છે. આ ઉપરાંત વટામણ ચોકડી ખાતે મોટું સર્કલના લીધે પણ અકસ્માત વધવાનો ખતરો હોવાથી સર્કલને નાનું કરવાની સ્થાનિક લોકોની માંગણી છે.



Google NewsGoogle News