ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીના ડે.એન્જીનીયર વતી લાંચ લેતા બે શખ્સો ઝડપાયા

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીના ડે.એન્જીનીયર વતી લાંચ લેતા બે શખ્સો ઝડપાયા 1 - image


- ગાંધીધામ એસીબીએ પાલિકા કચેરીએ છટકું ગોઠવ્યું

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીના મહિલા ડેપ્યુટી એન્જીનીયર વતી તેના બે વચેટીયા શખ્સોને ગાંધીધામ એસીબી ટીમ દ્વારા નગરપાલિકાના કંમ્પાઉન્ડમાં છટકુ ગોઠવી રોકડ રકમની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં રહેતા અને ફરિયાદીને ભાડાના મકાનમાં લગાવેલા વીજમીટર અંગેનું ચેકિંગ કરતાં તેમાં ગેરરીતિ જણાઈ આવી હતી. આથી ડેપ્યુટી એન્જીનીયર રત્નાબેન ચૌધરી દ્વારા ફરિયાદીને રસીદ આપ્યા વગર તેમજ કોઈપણ કાગળમાં સહિ લીધા વગર વીજમીટર ઉતારી સાથે લઈ ગયા હતા.

ત્યારબાદ ફરિયાદી આ મામલે ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરી ખાતે ડેપ્યુટી એન્જીનીયરનો સંપર્ક કરતા વીજચોરી બાબતે સમાધાન માટે જશાપર ગામે રહેતા ભરતભાઈ ડુંગરભાઈ સાગઠીયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને ટેલીફોનિક વાતચીત પણ કરી હતી. જેમાં ભરતભાઈ દ્વારા કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર વીજમીટર પાછું લગાવી દેવા માટે રૂા.૨ લાખની લાંચ માંગી હતી.

 જે રકઝકના અંતે રૂા.૧.૫૦ લાખ ડેપ્યુટી એન્જીનીયરને અને અલગથી રૂા.૪૦૦૦ ભરતભાઈ સહિત કુલ રૂા.૧.૫૪ લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ પરંતુ ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય આ અંગે એસીબીનો સંપર્ક કરતાં ગાંધીધામ એસીબી ટીમ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરી ખાતે છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

જેમાં મહિલા ડેપ્યુટી એન્જીનીયરના કહેવાથી જશાપર ગામના ભરતભાઈ સાગઠીયા અને તેમની સાથે આવેલા મેરૂભાઈ મંગાભાઈ પારધી (રહે. જશાપર)ને રૂા.૧.૫૪ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહિલા ડેપ્યુટી એન્જીનીયર વતી લાંચ લેતા બે શખ્સો ઝડપાતા પીજીવીસીએલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.



Google NewsGoogle News