મોટી મોલડીમાં બે વ્યક્તિ પર લાકડી અને પાઈપથી હુમલો
- અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી
- હુમલો કરનાર છ શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે અગાઉ થયેલી બોલાચાલી મામલે બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ૬ શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોટી મોલડી ગામે રહેતા ફરિયાદી જીજ્ઞોશભાઈ હમીરભાઈ કાલરિયા તથા કૌટુંબિક કાકાનો દીકરો મુકેશભાઈ મનસુખભાઈ તેમજ ગામના દિપકભાઈ દેશીભાઈ લુંભાણી ત્રણેય દિપકભાઈની વાડીએ ગયા હતા.
તે દરમિયાન રાત્રીના સમયે ગામમાં જ રહેતા જગદીશભાઈ નાથાભાઈ મેઘાણી તથા રામાભાઈ દેવાભાઈ મેઘાણી સહિતનાઓએ લાકડીઓ લઈ આવી ફરિયાદી અને દિપકભાઈને ઢોર બાબતે પુછતા અન્ય બે શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને અગાઉ થયેલી માથાકુટ બાબતનું મનદુઃખ રાખી ૬ શખ્સોએ લાકડી તેમજ પાઈપ વડે માર મારી ફરિયાદી અને મુકેશભાઈને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જે અંગે નાની મોલડી પોલીસ મથકે જગદીશભાઈ નાથાભાઈ મેઘાણી, રામાભાઈ દેવાભાઈ મેઘાણી, દેવાભાઈ જીવાભાઈ મેઘાણી, હકાભાઈ ઘુઘાભાઈ મેઘાણી, હિતેશભાઈ ઘુઘાભાઈ મેઘાણી અને વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેઘાણી (તમામ રહે.મોટી મોલડી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.