Get The App

વિરમગામમાં રિક્ષામાંથી મુસાફરોના નાણાં સેરવી લેનાર બે શખ્સોની અટકાયત

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
વિરમગામમાં રિક્ષામાંથી મુસાફરોના નાણાં સેરવી લેનાર બે શખ્સોની અટકાયત 1 - image


- નિવૃત પોલીસકર્મીના 1 લાખ ઓળવી લીધા હતા

- મુખ્ય સુત્રધાર પાસા હેઠળ જેલમાં હોવાથી ધરપકડ કરવા કાર્યવાહી કરાઈ : ચોરીમાં લીધેલી રિક્ષા જપ્ત

વિરમગામ : વિરમગામમાં મોઢેરાના નિવૃત પોલીસ કર્મીને રિક્ષામાં બેસાડી વાતોમાં રાખી ખિસ્સામાંથી રૂ.૧ લાખ સેરવી લેનાર ત્રણ શખ્સોમાંથી બે શખ્સોને વિરમગામ બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધા હતા. જ્યારે ત્રીજો આરોપી પાસા હેઠળ જેલમાં બંધ હોય ધરપકડ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના મોઢેરામાં રહેતા નિવૃત પોલીસ કર્મચારી મનુભાઈ કરસનભાઈ ગઢવી સુરેન્દ્રનગરથી પોતાની દીકરીના ઘરેથી મકાનના હપ્તાના ભરવાના રૂ.૧ લાખ લઈને વિરમગામની પોપટ ચોકડી પાસે આવેલા વલ્લભ સિટીથી ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે રિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને રિક્ષામાં બેસાડી વાતોમાં રાખી ખિસ્સામાંથી રૂ.૧ લાખ કાઢી લીધા હતા. આ અંગે વૃદ્ધે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

આ અંગે વિરમગામ પોલીસને બાતમી મળી હતી કે, નાણાં સેરવી લેનાર બે શખ્સો રિક્ષા લઇ વિરમગામ બસ સ્ટેન્ડ બહાર નાસ્તો કરવા બેઠેલા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને ગીતા રેસ્ટોરન્ટમાંથી પ્રકાશ સોમાભાઈ વાઘેલા (રહે. શાંતિધામ સોસાયટી, સાપર, જિ. રાજકોટ, મૂળ રહે. ઉખલોડ, તા.વિરમગામ) અને અમિત દિનેશભાઈ ઉકેડીયા (રહે. પોપટ પરાની પાછળ, રાજકોટ)ની ચોરીમાં ઉપયોગમાં લીધેલી રિક્ષા સાથે અટકાયત કરી હતી. 

તેમની પૂછપરછ કરતા મુખ્ય સુત્રધાર ધનજી દેવજીભાઈ (રહે. રાજકોટ) હોવાનું ખુલ્યું હતું. હાલમાં ધનજી પાસા હેઠળ જેલમાં બંધ હોય ધરપકડ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.


Google NewsGoogle News