સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી માવઠું , વીજળી પડતાં બે લોકોનાં મોત
- એક દિવસના વિરામ બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ
- વીજળી પડવાથી ચોટીલાના મોકાસરની યુવતી અને મુળીના ખાટડીના આધેડનું મોત ઃ વઢવાણમાં કરા સાથે વરસાદ ઃ લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, વઢવાણ સહિતના વિસ્તારોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ પડયો: ઉનાળુ પાકને નુક્શાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા ઃ આકરા તાપથી ત્રાહિમામ પોકારેલા ઝાલાવાડ વાસીઓને ગરમીથી આંશિક રાહત
સુરેન્દ્રનગર,તા.૧૫
સુરેનદ્રનગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ બુધવારે ફરીથી માવઠું પડયું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ તથા ભારે પવન સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. માવઠા દરમિયાન વીજળી પડતાં ચોટીલાના મોકાસરની યુવતી અને મુળીના ખાટડીના આધેડનું મોત નીપજ્યું હતું.એક પખવાડિયાથી આકરા તાપના લીધે ઝાલાવાડવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જ્યારે કમોસમી વરસાદ વરસતા વાતાવણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી. તો ભારે પવન અને કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાકને નુક્શાની જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. જેથી સરકાર દ્વારા સત્વરે સર્વે કરાવી નુક્શાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ તા.૧૫ મેને બુધવારે ફરી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું.
સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં તેમજ જિલ્લાના વઢવાણ, લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં વાતાવરણમાં પલટા બાદ છુટોછવાયો કમોસમી વરસાદ પડયો હતો. જ્યારે વઢવાણ શહેરના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડયો હતો.
જ્યારે મુળી તાલુકાના ખાટડી ગામની સીમમાં કામ કરી રહેલા સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર (ઉં.વ.૫૭) ઉપર વીજળી પડતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઉપરાંત ચોટીલા તાલુકાના મોકાસર ગામની સીમમાં કામ કરી રહેલાં આશાબેન મનસુખભાઈ (ઉં.વ.૧૮) ઉપર પણ વીજળી પડતાં મોત નીપજ્યું હતું. બંનેના મૃતદેહોને પીએમ અર્થે જે-તે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભારે પવન અને વિઝીબીલીટી ડાઉન થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. વાહનચાલકોને રસ્તા પર જ થોભી જવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ઝાલાવાડવાસીઓ ગરમી અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. તેવામાં કમોસમી વરસાદ પડતા એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી.
બીજી તરફ વઢવાણ, ધ્રાંગધ્રા, મુળી સહિતના તાલુકામાં ઉનાળુ વાવેતરને ભારે પવન અને કમોસમી વરસાદને કારણે નુકશાની જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાતુર બન્યા હતા. ઝાલાવાડમાં ખેડૂતોએ તલ, ઉનાળુ બાજરો, શાકભાજી, ગમ ગુવાર સહિતના પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે. તેવામાં સતત બીજી વખત કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે પાકને નુક્શાન પહોંચ્યું છે.
આથી સરકાર દ્વારા તાત્કાલીક આ અંગે સર્વે હાથ ધરી નુક્શાનીનું વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠી છે. હવામાન વિભાગ દ્વારા હજૂ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.