સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી કરનાર બે કુખ્યાત તસ્કર ઝડપાયા
- અલગ-અલગ મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- સોના-ચાંદીના દાગીના,રોકડ સહિત કુલ રૃા. 1.38 લાખનો મુદ્દામાલ કબજ : બંને સામે ૨૦થી વધુ ગુના નોંધાયા
સુરેન્દ્રનગર : તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન રોડ પર આવેલી શક્તિપરા સહિત આસપાસની સોસાયટીમાં બે થી ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે ભોગ બનનાર મકાન માલીકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથધરી ઘરફોડ ચોરી કરનાર બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસો પહેલા શક્તિપરા સહિત આસપાસની સોસાયટીઓમાં આવેલા બે થી ત્રણ મકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં ચોરી કરનાર બે શખ્સોને પોલીસે દુધરેજ વહાણવટી નગર સાતનાળા પાસેથી ઝડપી લીધા હતાા. પોલીસે શક્તિભાઈ ઉર્ફે લાલો સાગરભાઈ થરેશા (ઉ.વ.૨૧, રહે.લક્ષ્મીપરા સુરેન્દ્રનગર) તેમજ રાહુલભાઈ પેથાભાઈ સરવૈયા (ઉ.વ.૨૨, રહે.વહાણવટીનગર)ેેના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. બંને આરોપીની પુછપરછ કરતા એ-ડિવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી શક્તિ ઉર્ફે લાલો થરેશા સામે એ-ડિવીઝન પોલીસ મથકમાં પ્રોહિબીશન, હથિયાર ધારા અને ચોરીના ૮ ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે રાહુલ પેથાભાઈ સરવૈયા સામે પણ એ-ડિવીઝન, બી-ડિવીઝન, મોરબી બી-ડિવીઝન પોલીસ મથકમાં હથિયારધારા, ચોરી સહિતના ૧૪ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.
તસ્કરો પાસેથી ઝડપેલો મુદ્દામાલ
સોનાનો ચેઈન, સોનાની વીટી, સોનાનું પેન્ડલ, સોનાની મોતીવાળી બુટ્ટી ૧ જોડ, સોનાના મોતીવાળી કાંડીયા સહિત કુલ રૃા.૮૫,૦૦૦ તથા ચાંદીના છડ્ડા ૧૨ જોડ, ચાંદીની ગણપતિની મૂર્તિ, ચાંદીના સીક્કા સહિત કુલ રૃા.૧૭,૧૦૦ અને જુના દરની ચલણી નોટો રોકડ રૃા.૩૬,૫૦૦ મળી કુલ રૃા.૧,૩૮,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.