સુરેન્દ્રનગરમાં ૧૮.૨૦ લાખની લૂંટ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા
- છરીની અણીએ દિનદહાડે લૂંટ ચલાવી હતી
- બે દિવસ પહેલા બે આરોપીઓને પકડી પાડયા હતા, કુલ ૧૧.૦૨ લાખની રકમ રીકવર કરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મેગામોલ પાસે દિનદહાડે છરીની અણીએ રૂ.૧૮.૨૦ લાખની રોકડની લૂંટ ચલાવી શખ્સો નાસી ગયા હતા. આ અંગે પોલીસે એક સગીર સહિત બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં અન્ય શખ્સોની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે વધુ બે શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં એક પેઢીના બે કર્મચારીઓ રૂ.૧૮.૨૦ લાખની રોકડ રકમ બેંકમાં ભરવા જઈ રહ્યા હતા. ત્યારે મેગામોલ પાસે બાઈક પર આવેલા બે શખ્સો છરીની અણીએ લૂંટ ચલાવી રોકડ લૂંટી નાસી છુટયા હતા. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે દિવસ પહેલા મુળચંદ રોડ પરથી એક સગીર સહિત બે શખ્સોને ઝડપી પાડયા હતા.
પોલીસે બંને પાસેથી રૂ.૨.૫૩ લાખ રોકડ, મોબાઈલ અને લૂંટમાં ઉપયોગમાં લીધેલી છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. ઝડપાયેલા મહેન્દ્ર ઉર્ફે જીગો ઉર્ફે બાડોની પુછપરછમાં લૂંટના ગુનામાં અન્ય બે શખ્સો સામેલ હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે લૂંટની ટીપ આપનાર મુખ્ય આરોપી માર્શલ અમરનાથભાઈ આર્ય (ઉ.વ.૨૪, રહે.ગણપતિ ફાટસર, વઢવાણ) અને લૂંટની રકમ સંતાડનાર આશીષ ઉર્ફે ભુરો નરોતમભાઈ દલસાણીયા (ઉ.વ.૨૩, રહે.૮૦ ફુટ રોડ)ને ઝડપી પાડયા હતા.
પોલીસે માર્શલના કબ્જામાંથી લૂંટના ભાગે આવેલા રોકડ રૂા.૨.૦૫ લાખ તથા લૂંટના બનાવમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક, મોબાઈલ જપ્ત કર્યા હતા. તેમજ આશીષ ઉર્ફે ભુરોના કબ્જામાંથી લૂંટની રોકડ રકમ રૂા.૬,૪૪,૫૦૦ તેમજ મોબાઈલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા આશીષ ઉર્ફે ભુરા વિરૂદ્ધ સુરેન્દ્રનગર એ-ડિવીઝન, વઢવાણ અને હળવદ પોલીસ મથકે ચોરી અને પ્રોહિબીશનના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં પોલીસે લૂંટની કુલ રકમ ૧૮.૨૦ લાખ પૈકી ૧૧.૦૨ લાખ જેટલી રકમ રીકવર કરી અને ચાર આરોપીઓને ઝડપી પાડયા છે. ત્યારે લૂંટની બાકીની રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવામાં આવી તે અંગે સવાલો ઉઠયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.