દસાડામાં બે, લીંબડી અને ધ્રાંગધ્રામાં સવા ઈંચ વરસાદ
- ઝાલાવાડમાં સાર્વત્રિક વરસાદી માહોલ
- સામાન્ય વરસાદમાં સુરેન્દ્રનગર શહેરમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સોમવારે મોડીરાતથી મંગળવાર સવાર સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં દસાડામાં બે ઈંચ, લીંબડી અને ધ્રાંગધ્રામાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રીય થતાં મેઘરાજાનું ફરી આગમન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડીરાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો.
સુરેન્દ્રનગર, વઢવાણ, લટુડા, ખેરાળી, ખમીસણા, ખારવા, રામપરા, મેમકા, માળોદ સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો હતો. સોમવારે મધરાતથી મંગળવારે સવાર સુધી સતત ઝરમર વરસાદ અવિરતપણે શરૃ રહ્યો હતો.
ગઈકાલ સવારના ૬ વાગ્યા સુધી જિલ્લામાં દસાડા-૪૯ મીમી, લીંબડી-૩૧ મીમી, ધ્રાંગધ્રા-૩૦ મીમી, સાયલા-૨૧ મીમી, લખતર-૨૦ મીમી, વઢવાણ-૧૩ મીમી, ચુડા-૧૦ મીમી, મુળી-૭ મીમી, ચોટીલા-૭ મીમી, થાન-૫ મીમી વરસાદ નોંધાયો હતો.
સામાન્ય વરસાદથી શહેરના મેઈન રોડ, ટાવર રોડ, ટાંકીચોક, નવા જંકશાન રોડ, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો અને તંત્રની પ્રિમોનસુન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.