ધ્રાંગધ્રા બાલા હનુમાન મંદિરના પુજારીની હત્યા કરનારા બે પરપ્રાંતીય ઝડપાયા
- દોઢ મહિને હત્યાનો ભેદ ઉકેલાયો
- ચોરી કરવાના ઈરાદે ત્રાટક્યા ત્યારે પુજારી જાગી જતાં તિક્ષ્ણ હથિયારથી ઘા ઝીંક્યાની કબુલાત
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા.
તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
હત્યામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ઝડપવા તપાસ ચાલુ: જિલ્લા પોલીસ વડા
જ્યારે પ્રાથમિક તપાસમાં પુજારીની હત્યાના બનાવમાં ઝડપાયેલા બે શખ્સો સહિત અન્ય બે શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે વધુ બે શખ્સોને પણ ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હોવાનું જિલ્લા પોલીસેવડા ડો.ગીરીશકુમાર પંડયાએ જણાવ્યું હતું.