સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની બે કેનાલોમાંથી બે વ્યક્તિની લાશ મળી

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની બે કેનાલોમાંથી બે વ્યક્તિની લાશ મળી 1 - image


- એક જ દિવસે બે પુરૂષોની લાશ મળતા ચકચાર

- પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલમાં ડૂબી જવાથી તેમજ અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે. એક જ દિવસે અલગ અલગ બે જગ્યાએથી કેનાલમાંથી બે વ્યક્તિની લાશ મળી આવી હતી. જેને બહાર કાઢી પોલીસે પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

ધ્રાંગધ્રાના  જસમતપુર પાસેથી પસાર થતી માળિયા બ્રાન્ચની નમઁદા કેનાલમા અજાણ્યા પુરૂષની લાશ હોવાની જાણ આસપાસના લોકો અને વાહનચાલકોએ પોલીસને કરતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી હતી.

 પરંતુ સ્થાનિક સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા આ લાશનું પીએમ નહીં થઈ શકે તેમ જણાવતા પોલીસ દ્વારા લાશને પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક કાળુભાઈ પમાભાઈ સોલંકી (રહે. મોટી માલવણ) હોવાનુ અને માનસિક રીતે બીમાર હોવાનુ બહાર આવ્યું હતુ. જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ નર્મદા કેનાલમાંથી લાશ મળી આવે છે, ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ડોકટરો દ્વારા એનકેન  પ્રકારે બહાના બતાવીને પીએમ કરવામાં આવતું ના હોવાના આક્ષેપો ઉઠયાં છે. પરિણામે ના છૂટકે પરિવારજનો તેમજ પોલીસને મજબૂર બનીને રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાશને લઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.  ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જ્યારે બીજા બનાવમાં વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના પંમ્પિંગ સ્ટેશનના ગેઈટ પાસેથી એક અજાણ્યા વ્યક્તિની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકો સહિત વાહનચાલકોને થતાં આ અંગે સુરેન્દ્રનગરની પાલિકા ફાયર ફાયટર ટીમને જાણ કરાઈ હતી.

 જેથી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી પીએમની તજવીજ હાથ ધરી હતી તેમજ પોલીસને પણ જાણ કરી હતી. આમ એક જ દિવસમાં અલગ-અલગ જગ્યાએ કેનાલમાંથી બે વ્યક્તિની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.



Google NewsGoogle News