ઢોર ચરાવવાના મુદ્દે માથાકૂટ થતાં બે ભાઇઓ ઉપર હુમલો
- વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે
- લાકડી અને પાઇપ વડે માર મારતાં પાંચ શખ્સો સામે નોંધાવાઇ ફરિયાદ
મોરબી : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામમાં ઢોર ચરાવવા મુદે માથાકૂટ થતા પાંચ ઇસમોએ બે ભાઈઓને લાકડી અને પાઈપ વડે માર મારી ઈજા કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ગુંદાખડા ગામના રહેવાસી કરમણભાઈ ખીમાભાઈ બાંભવાએ આરોપી પોપટ કરમશી સાપરા, ભકાભાઇ પોપટભાઈ, વિહાભાઇ માધાભાઈ સાપરા, રવજીભાઈ પોપટભાઈ સાપરા અને દર્શન ચોથાભાઇ સાપરા (રહે બધા ગુંદાખડા તા. વાંકાનેર) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે કરમણભાઈ પોતાના માલઢોર લઇ સીમમાં ચરાવવા નીકળ્યા હતા. ત્યારે દાદાનો દીકરો વેલાભાઇ ગોકળભાઈ બાંભવા અને રામાભાઈ સિંધાભાઈ બાંભવા બંને તેના માલઢોર ચરાવવા સાથે નીકળ્યા હતા. અને ગામના પાદર તળાવ પાસે કનડેશ્વર મહાદેવ મંદિર પાસે આવતા ગામના પોપટ સાપરા આ બાજુ માલઢોર ચરાવવાની ના પાડી છે તો પણ કેમ આવો છો કહીને ગાળો આપવા લાગ્યો જેથી ગાળો બોલવાની ના પાડતા લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો
ત્યારે ભકા પોપટ, વિહા સાપરા, રાવજી પોપટ સાપરાએ આવી ગાળો આપી પોપટ કરમશી અને રવજી પોપટએ લાકડીથી માર મારી હવે પછી માલઢોર લઇ આવતા નહિ નહીતર સારાવાટ નહિ રહે હજુ મારવા પડશે કહીને જતા રહ્યા હતા.તથા ફરિયાદીના દાદાના દીકરા રણછોડ સિંધા બાંભવાને આરોપીઓેએ તારો ભાઈ કરમણ તળાવ પાસે ઢોર લઇ આવવાની ના પાડી છે. તો પણ આવે છે કહીને ગાળો બોલી લાકડી, પાઇપ વડે માર માર્યો હતો. આમ પાંચ ઇસમોએ બે ભાઈઓને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.