ચોટીલા હાઈવે પર કરાયેલી ટ્રકચાલકની હત્યાનો અઢી મહિને ભેદ ઉકેલાયો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ચોટીલા હાઈવે પર કરાયેલી ટ્રકચાલકની હત્યાનો અઢી મહિને ભેદ ઉકેલાયો 1 - image


- બિહાર અને પંજાબથી બે શખ્સોને ઝડપ્યા

- ટ્રકમાં ભરેલા લોખંડના સળિયાની લુંટ કરવા આવેલા શખ્સોએ ચાલકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો

સુરેન્દ્રનગર : ચોટીલા-અમદાવાદ હાઈવે પર અઢી મહિના પહેલા હોટલના પાછળના ભાગેથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. હત્યા નીપજાવી હોવાનું સામે આવતાં અલગ-અલગ ટીમો બનાવી હતી. જેમાં પોલીસે હત્યા નીપજાવનાર બે શખ્સોને અલગ-અલગ રાજ્યોમાંથી ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

ચોટીલા-અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલથી દુર બાવળમાંથી શંકાસ્પદ હાલતમાં ટ્રકચાલકની લાશ મળી આવી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બનાવ સ્થળની મુલાકાત લઈ મૃતકની લાશની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં મૃતક રામઅયોધ્યા ગનપત (ઉં.વ.૪૦, રહે.સુરત, મુળ રહે.યુપી) હોવાનું અને ટ્રકચાલક હોવાનું ખુલ્યું હતું. 

તેના ગળાના અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા નીપજાવી હોવાનું જણાઈ આવ્યું હતું. આથી  ચોટીલા પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી બિહાર રાજ્યમાંથી આરોપી સુરજકુમાર નેકરામને ઝડપી પાડયો હતો. જેની વધુ પુછપરછ કરતાં હત્યાના ગુનામાં પંજાબના ગુરૂદાસપુરનો અભિષેક શર્માલ પણ સંડોવાયેલો હોવાનું જણાઈ આવ્યું હતું. 

જેથી અન્ય એક ટીમને પંજાબ મોકલી આરોપી અભિષેકને ઝડપી પાડયો હતો. જ્યારે ઝડપાયેલા બન્ને આરોપીઓની પુછપરછ કરતાં હત્યાની કબુલાત કરી હતી અને બન્ને આરોપીઓએ લુંટ કરવાના ઈરાદે લોખંડ ભરેલી ટ્રકની રેકી કરી હતી અને ટ્રકમાં બેસી ટ્રકચાલકને લોખંડના સળીયા ગેરકાયદેસર રીતે ચોરી કરી વેચતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ટ્રકચાલક માન્યો નહોતો.

 આથી બન્ને આરોપીઓએ ટ્રકચાલકને છરી વડે ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી લોખંડ ભરેલો ટ્રક લઈ નાસી છુટયા હતા પરંતુ લોખંડના સળીયા લેવા કોઈ સહમત ન થતાં ટ્રક ત્યાં જ મુકી નાસી છુટયા હોવાનું બહાર આવ્યું હતું.


Google NewsGoogle News