થાનમાં પાંચ વર્ષથી નિર્માણાધીન ઓવરબ્રિજના લીધે પરેશાની
- ગોકળગતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ
- દોઢ વર્ષથી કામગીરી સદંતર બંધ હોવાનો નગરજનોનો આક્ષેપ
સુરેન્દ્રનગર : થાનમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા થાન નગરપાલિકા દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરી ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પાંચ વર્ષ થવા છતાં ઓવરબ્રિજ નિર્માણાધીન હોવાથી નગરજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.
થાન શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ થાન નગરપાલિકા દ્વારા અંદાજે પાંચ વર્ષ પહેલા રેલવે વિભાગ સાથે સંકલન કરી ઓવરબ્રિજ મંજૂર કરાવી તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ગોકળગતિએ થતી કામગીરીના કારણે હજૂ પણ બ્રિજ નિર્માણાધીન છે.
નગરજનોના જણાવ્યા મુજબ, છેલ્લાં દોઢ વર્ષથી ઓવરબ્રિજની કામગીરી સદતંર બંધ છે. જેના કારણે અંતિમવિધિ માટે લોકોને પાંચ કિલોમીટર ફરીને સ્માશાન પહોંચવું પડે છે. ટેન્ડર પ્રક્રિયા મુજબ ઓવરબ્રિજની કામગીરી ત્રણ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાની હતી પરંતુ આંતરિક મતભેદ અને સ્થાનિક રાજકારણના લીધે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાની રજૂઆત પાલિકા તંત્રમાં કરવા છતાં કોઈ ઉકેલ આવતો ના હોવાનું નગરજનોએ જણાવ્યું હતું. જેને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.