સુરેન્દ્રનગર ખાતે ટીઆરબી જવાનોએ સરકારના પરિપત્રનો વિરોધ કર્યો
- ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાના આદેશથી રોષ
- જિલ્લાના અંદાજે ૮૦થી વધુ ટીઆરબી જવાનોને સરકારના પરિપત્રથી હાલાકી
સુરેન્દ્રનગર : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કુલ ૯૦૦૦ પૈકી અંદાજે ૬૩૦૦ ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કર્યો છે જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો શહેરની આર્ટસ કોલેજ ખાતે એકત્ર થયા હતા અને સરકારના પરિપત્રનો આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો એક પરિપત્ર દ્વારા હુકમ કર્યો છે જે મુજબ છેલ્લા ૧૦ વર્ષ, ૫ વર્ષ અને ૩ વર્ષથી ફરજ બજાવતા ટીઆરબી જવાનોને ક્રમશઃ નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરાયો છે. જેનો રાજ્યભરમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ ટીઆરબી જવાનો દ્વારા સરકારના પરીપત્રનો શહેરની આર્ટસ કોલેજ ખાતે એકત્ર થઈ વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજે ૮૦થી વધુ ટીઆરબી જવાનો ઘણા વર્ષોથી ફરજ બજાવે છે ત્યારે અચાનક સરકારના પરિપત્રથી તમામના પરિવારનું ગુજરાન ચલાવવામાં હાલાકી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આથી સરકાર દ્વારા ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો પરિપત્ર રદ્દ કરવામાં આવે અને રાબેતા મુજબ ટીઆરબી જવાનોની નોકરી શરૂ રાખવામાં આવે તેવી માંગ કરી હતી. આ તકે ટીઆરબી જવાનો સાથે ટીઆરબી મહિલાઓ પણ જોડાઈ હતી.