ફતેપુર પ્રાથમિક શાળાના બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકોની બદલી
- 20 બાળકોને શાળામાં પૂરી દીધા હતા
- કારણદર્શક નોટિસ ફટકાર્યાના અઠવાડિયા બાદ કાર્યવાહી ઃ તપાસમાં હજૂ કોઈ દોષિત જણાશે તો કાર્યવાહી કરવાની ખાતરી
સુરેન્દ્રનગર : ગત અઠવાડિયે પાટડી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના રૂમને તાળુ મારી બાળકોને પુરી શિક્ષકો ઘરે જતા રહ્યાં હતા. આ અંગે વાલીઓ અને આગેવાનોને જાણ થતાં શાળાનો ગેઈટ તોડી બાળકોને બહાર કાઢ્યાં હતાં. જ્યારે આ મામલે બેદરકારી દાખવનાર શાળાના આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકો સામે કાર્યવાહી કરી ત્રણેયની અલગ-અલગ તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે.
ફતેપુર પ્રાથમિક શાળામાં ગત તા.૧૭ ફેબુ્રઆરીના રોજ ધોરણ-૧ ના અંદાજે ૨૦થી વધુ બાળકો શાળાના રૂમમાં હતા. તે દરમિયાન શિક્ષકો રૂમ લોક કરી ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ બાળકોનો રડવાનો અવાજ સાંભળી આસપાસના આગેવાનો અને વાલીઓની મદદથી તમામ બાળકો શાળામાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.
સમગ્ર મામલે શિક્ષકોની તેમજ આચાર્યની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. જે મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બનાવના દિવસે ગંભીર બેદરકારી બદલ ફતેપુર શાળાના આચાર્ય અને શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી હતી અને બેદરકારી અંગે ખુલાસો માંગ્યો હતો.
ત્યારે નોટિસ આપ્યાના એક અઠવાડિયા બાદ બેદરકારી દાખવનાર ત્રણ શિક્ષકો સામે કાર્યવાહી કરી અલગ-અલગ તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે. જેમાં શિક્ષક દિનેશભાઈ પચાણભાઈ સીંધવની-સાયલા, ઈશ્વરભાઈ રામભાઈ ગોહિલની-ચોટીલા અને અરવિંદભાઈ કમાભાઈ ડોરીયાની-થાન શાળામાં સામુહિક બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત આ ગંભીર બનાવમાં તપાસ દરમિયાન હજુ પણ કોઈ દોષીત જણાશે તો તેની સામે પણ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું.