સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
- દિવાળીની રજામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો
- સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતના રૃ. 1.38 લાખના મત્તાની ચોરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં ત્રણ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તસ્કરો મકાનમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૧,૩૮,૬૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. આ મામલે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના રૃપાળીબાના મંદિર પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામનો વ્યવસાય કરતા વિકિભાઇ કિશોરભાઇ માંડલીયા પરિવાર સાથે દિવાળીની રજાઓમાં વતનમાં ગયાં હતાં. વિકીભાઈ પાંચમી નવેમ્બરે પરત ફર્યા ત્યારે ઘરના અંદરના દરવાજાનું લોક તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. વિકીભાઇ તેમજ પરિવારના સભ્યોએ ઘરમાં તપાસ કરતા અજાણ્યા શખ્સે ઘરમાં ચોરીને અંજામ આપ્યો હોવાની જાણ થઇ હતી.
ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. બેડરૃમમાં લાકડાના કબાટમાંથી સોનાની ચેઇન, વીંટી, પેંડલ, બુટ્ટી, ચાંદીના છડા, ગણપતિની મુર્તિ, સિક્કા નંગ ૪, તેમજ રોકડા રૃપિયા ૨૫ હજાર સહિતની મત્તાની ચોરી થયાની જાણ થઇ હતી. તેમજ તેમના ઘર નજીક રહેતા વૃશાંતભાઇ તરુણભાઇ સોનીના ઘરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાના મોતીવાળી ઘડિયાળ અને રોકડા રૃપિયા ૫૫૦૦ની ચોરી થઇ હતી. તેમજ સોસાયટીમાં રહેતા ગણેશભાઇ ગામીના મકાનમાંથી રોકડા રૃપિયા ૬ હજારની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયાં હતાં. આ મામલે વિકીભાઇએ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે કુલ રૃા.૧,૩૮,૬૦૦ની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.