ટ્રાફિક, અસામાજિક તત્વોનો ત્રાસ, નવી પોલીસ ચોકી બનાવવા રજૂઆત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ટ્રાફિક, અસામાજિક તત્વોનો ત્રાસ, નવી પોલીસ ચોકી બનાવવા રજૂઆત 1 - image


- સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઇજી સમક્ષ માંગણી

- જિલ્લાના 540 થી વધુ ગામોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના વાર્ષિક ઈન્પેેક્શન અંતર્ગત  સુરેન્દ્રનગર ખાતે આવેલા રાજકોટ રેન્જ આઇજીએ જિલ્લાના સ્થાનીક આગેવાનો સાથે સંવાદ કર્યો હતા. જેમાં ખાસ કરીને જિલ્લાના લોકોએ ટ્રાફિક, શાળાઓ બહાર આવારા તત્વોના અડીંગો, નવી પોલીસ ચોકી બનાવવા સહીતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ રેન્જ આઇજીએ ખાત્રી આપી હતી. આ ઉપરાંત ખાસ કરીને 'મારૂ ગામ સુરક્ષિત ગામ' પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના ૫૪૦ થી વધુ ગામોને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લાના વાષક ઇન્સ્પેક્શન અન્વયે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પ્રથમ દિવસે ડીટીસી ટ્રેનિંગ સેન્ટર ખાતે રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં જિલ્લાના સ્થાનીક આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.

 જેમાં જિલ્લાભરના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા, તેમજ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં આઉટપોસ્ટ બનાવવા, મહિલા કોલેજ તેમજ શાળાઓ બહાર વિદ્યાર્થીનીઓની સલામતી માટે પોલીસ પોઇન્ટ મુકવા, રાત્રીના સમયે રિવરફ્રન્ટ રોડ પર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવું  સહીતના પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી હતી. 

જે તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાની પણ ખાત્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બનતી ચોરી સહીતની ગુનાખોરીની ઘટનાઓ બનતી અટકાવવા તેમજ ગુનાઓ ઝડપથી ઉકેલી શકાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં 'મારૂ ગામ સુરક્ષિત ગામ' પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તમામ ૫૪૦થી વધુ ગામોમાં સીસીટીવી લગાવવામાં આવશે. 

તેમજ જિલ્લાની તમામ ગર્લ્સ સ્કૂલ બહાર શાળા છૂટવાના સમયે તાત્કાલિક હોમગાર્ડનો પોઇન્ટ મુકવામાં આવશે. રાજકોટ રેન્જ આઇજી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની કામગીરીનું નિરિક્ષણ કરી જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસને રાજ્યની સૌથી સારી પોલીસ પૈકીની એક હોવાનું જણાવ્યું હતું.


Google NewsGoogle News