વિરમગામ કોટ બહારના વેપારીએ બંધ પાળ્યો, અંદરના બજાર ખૂલ્લા રહ્યા
- બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો
- કાળા વાવટા અને સ્લોગન સાથે વેપારીઓએ વિશાળ રેલી કાઢી પાલિકા તંત્રના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
વિરમગામ : વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના કોટ વિસ્તાર બહાર આવેલા નગરપાલિકાના ભાડુઆત વેપારીઓને ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ-૧૮૫ હેઠળ દબાણ દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી. જેના વિરોધમાં સરદારબાગ ખાતે વેપારીઓની મીટિંગમાં આંદોલનની રણનીતિ ઘડી સોમવારે વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
બંધના એલાનના પગલે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધમાં કોટ વિસ્તારના બહારના તમામ વેપારીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વ્યાપાર ધંધાને બચાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને સમર્થન આપ્યું હતું.
ભરવાડી દરવાજા બહાર વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હાથમાં કાળા વાવટા, ગળામાં કાળી પટ્ટી ધારણ કરી હાથમાં જુદા જુદા સ્લોગન લખીને વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. રેલી ભરવાડી દરવાજા, દીવાની કોર્ટ, એસટી સ્ટેન્ડ થઈ સરદાર પટેલ પ્રતિમા થઈ અક્ષર નગરથી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. બાદમાં મામલતદાર તેમજ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજના અપાયેલા બંધમાં અક્ષરનગર, ગોળ પીઠા એસટી રોડ, વિજય ચોક, મીલ રોડ, કસ્ટમ રોડ, સરદાર બાગ શોપિંગ સેન્ટર, દિવાની કોર્ટ વિસ્તાર, ભરવાડી દરવાજા બહાર આવેલા તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આંદોલનને સમર્થન આપ્યું હતું. જ્યારે કોટ અંદરના તમામ બજારો ખુલ્લા રહ્યા હતા.
વિરમગામ શહેરમાં આગામી દિવસોમાં આવનાર દબાણને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય મોફુક રાખવામાં આવે, દબાણ હટાવવામાં આવે તો વેપારીઓને વેપારીના ધંધા બંધ થતા રોજી- રોટીનું સાધન છીનવાઈ જવાથી મોટી સંખ્યામાં વ્યાપારીઓ બેકાર બનશે. સમગ્ર વિરમગામનો વિકાસ થવાના બદલે વિનાશ થશે. તેવું આવેદનપત્ર મારફતે વેપારીઓ દ્વારા જણાવાયું હતું. બંધના એલાનના પગલે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ઠેર ઠેર પોલીસ પોઈન્ટ મૂકી જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.