ધ્રાંગધ્રાના ભરાડા ગામે જમીનનો કબજો પરત મેળવવા પરિવારે કલેકટરને રજૂઆત કરી

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના ભરાડા ગામે જમીનનો કબજો પરત મેળવવા પરિવારે કલેકટરને રજૂઆત કરી 1 - image


- રાજકીય વગ ધરાવતા અને સ્થાનિક ધારાસભ્યના અંગત વ્યક્તિએ મંદિરની જમીન બળજબરીપૂર્વક હડપ્પ કરી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે મંદિરની સેવા પૂજા કરતા એક બ્રાહ્મણ પરિવારે રાજકીય વગ ધરાવતા અને ધારાસભ્ય સાથે નિકટતમ સંબંધો ધરાવતા શખ્સ દ્વારા મંદિરની ખેતીલાયક જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાની અને પરત ન આપતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.

ભરાડા ગામે આવેલા ચરમાળિયા દાદા મંદીરની વંશ પરંપરાગત સેવા પુજા કરતા રાજેશભાઈ ગણપતભાઈ રાવલ પરિવારને આ મંદીરને લઈને મળેલી ખેતીની જમીનમાં ખેતી કામ કરી પરીવાર તથા મંદીરનું તમામ ખર્ચા અંગેનું ભરણ પોષણ કરતા પરિવારની ખેતી લાયક જમીન વડવાઓ અમૃતભાઈ ઈશ્વરલાલ રાવલના નામથી ચાલતી આવેલી છે. જે જમીન તેઓએ અંદાજે ૧૬ વર્ષ પહેલા ભરાડા ગામના જ રહેવાસી પટેલ શંકરલાલ રામજીભાઈ ભુવાને પાવર ઓફ એટર્ની આપી ખેતીની જમીનનો વહીવટ કરવા સોપેલી હતી અને ત્યારબાદ થોડા સમય પછી પરિવારને તેઓનું વર્તન યોગ્ય ન જણાતા પાવર ઓફ એટર્ની રદ કરાવી હતી. 

તેમ છતાં શંકરલાલ તથા તેમના પુત્ર નંદલાલ ભુવા(પટેલ) દ્વારા કબ્જો પરત સોંપ્યો નહોતો અને જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી તેમાં ખેતી કરી આવક મેળવતા હતા પરંતુ તે આવકમાંથી કોઈપણ જાતની રોકડ રકમ કે વળતર ચરમાળિયા દાદા મંદીર કે પરિવારને આપતા ન હોતા. જેથી પરિવારે જમીનમાં વારસાઈ નોંધ કરાવવા જતા ગેરકાયદે કબજો કરનાર જિલ્લા કક્ષાના ભાજપના કિશાન મોરચાના પ્રમુખ હોવાથી તેમજ રાજકીય લોકો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાથી રેવન્યુ અધીકારી તથા અન્ય સરકારી કર્મચારીઓ પર દબાણ લાવી નોંધ થવા દેતા નહોતા.

જે અંગે કોઈ જ ઉકેલ ન આવતાં કંટાળી રાજેશભાઈ ગણપતભાઈ રાવલ પરિવાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આ બાબતે આવેદનપત્ર પાઠવી ન્યાય માટે અપીલ કરી હતી. તેમજ અરજીમાં કબજો કરનાર વ્યક્તિ હાલના ધારાસભ્યના ખુબજ અંગત વ્યકિત હોય અને તેમનો વહીવટ તેઓ ચલાવતા હોવાથી ધાર્મીક જગ્યાનો લાભ લઈ બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

આથી શંકરભાઈ અને તેના પુત્ર નંદલાલ દ્વારા મંદિર થકીની ખેતીની જમીન પચાવી ગેરકાયદેસર કબ્જો કરવા બદલ નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવાની માંગ સાથે પરિવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.



Google NewsGoogle News