ધર્મેન્દ્રગઢની સીમમાં પીજીવીસીએલના લાઈનમેન પર ટીડાણાના સરપંચનો હુમલો
- મુળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો
- અમારા ગામમાં લાઇટ કેમ કાપેલ છે કહી સરપંચે લાઇનમેનને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામની સીમમાં રિપેરિંગ કામ કરી રહેલા પીજીવીસીએલના લાઇનમેનને ટીડાણા ગામના સરપંચે અમારા ગામમાં લાઇટ કેમ કાપી તેમ કહી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી મ્યાન સાથેની તલવાર વડે માર મારી ઇજાઓ પહોંચાડી ફરજમાં રૂકાવટ કર્યાં અંગેની ફરીયાદ નોંધાવતા મુળી પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મુળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકાના શેખપર ગામે રહેતા રમેશભાઈ લાલજીભાઇ સોલંકી મુળી પીજીવીસીએલ કચેરીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે ધર્મેન્દ્રગઢ ગામની સીમમાં પોલ પડી ગયો હોવાથી રમેશભાઈ સહીતની ટીમ સમારકામ કરી પરત ફરતી હતી તે દરમિયાન ટીડાણા ગામના સરપંચ વનરાજસિંહ પરમાર ત્યાં બાઇક લઇ ધસી આવ્યા હતા અને પીજીવીસીએલની ગાડી આડે બાઇક ઉભુ રાખી દઇ અમારા ગામમાં લાઇટ કેમ કાપી તેમ કહી રમેશભાઈને બેફામ ગાળો દેવા લાગ્યા હતા અને જાતિ પ્રત્યે અપમાનિત કરી રમેશભાઇને મ્યાનસાથેની તલવાર વડે માર માર્યો હતો. મામલો વધુ બીચકે તે પહેલા પીજીવીસીએલના અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડયો હતો. આ મામલે લાઇનમેન રમેશભાઈ સોલંકીએ ટીડાણા ગામના સરપંચ વનરાજસિંહ પરમાર વિરૂધ્ધ ફરીયાદ નાધાવતા મુળી પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.