ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સીએનજી પંપ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સીએનજી પંપ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા 1 - image


- ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો

- મૃતકોની લાશને કારનું બોડી ચીરી બહાર કાઢવામાં આવી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી જ્યારે ત્રણ યુવકોના અકસ્માતમાં મોતથી પરિવારજનો પર આભ તુટી પડયું હતું.

 ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર મોડીરાત્રે સીએનજી પંપ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે બે યુવકોના મોત નીપજ્યાં હતાં .

જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં વિરમગામ હોસ્પીટલે વધુ સારવાર અર્થે લઈ જતી વખતે મોત નીપજતા કુલ મુત્યુ ૩ થયો હતો મૃતકોમાંં (૧) વસીમખાન રહે.ગેડીયા (૨) જાવેદખાન રહે.ખેરવા ઉ.વ.૨૫ અને (૩) હજરતશા રસુલશા રહે.ખેરવા ઉ.વ.૩૫વાળાનો સમાવેશ થાય છે. જ્યારે મૃતકોની લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. 

આ બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. આ અકસ્માત અત્યંત ગમખ્વાર હોય કારને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું અને કારની બોડી ચીરીને મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યાં હતાં જ્યારે આસપાસના સીસીટીવીમાં પણ અકસ્માતનો બનાવ કેદ થયો હતો .

જેમાં પુરપાટ ઝડપે આવતી કાર ટ્રકપાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ આવ્યું હતું આ બનાવથી મૃતક યુવકોના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ મૃતક યુવકો ગેડીયા ગેંગના સાગરીતો હોવાનું પણ જણાઈ આવ્યું હતું.


Google NewsGoogle News