Get The App

વિઠ્ઠલગઢ પાસે ડમ્પરની અડફેટે બાઈકસવાર ત્રણ યુવકોના મોત

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
વિઠ્ઠલગઢ પાસે ડમ્પરની અડફેટે બાઈકસવાર ત્રણ યુવકોના મોત 1 - image


- અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર

- અકસ્માતમાં વિઠ્ઠલગઢના બે અને ધુલેટાના એક યુવકનું મોત

સુરેન્દ્રનગર : લખતર-વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ ગામ પાસે ડમ્પરની અડફેટે બાઈક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

લખતરના વિઠ્ઠલગઢ ગામેથી ત્રણ યુવકો બાઈક પર સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે હાઈવે પર વિઠ્ઠલગઢ પાસેના પેટ્રોલપંપ નજીક વિરમગામ તરફથી પુરઝડપે આવેલા ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય યુવકો ૫૦ મીટરથી વધુ રોડ પર ઢસડાયા હતા. 

ગંભીર ઈજાઓ પહોંચતા બાઈક સવાર અશોકભાઈ મફાભાઈ સેેનવા (ઉં.વ.૩૦, રહે. ધુલેટા, તા. વિરમગામ, ગૌતમભાઈ દેવીદાસ સાધુ પરમાર (ઉં.વ.૧૯) અને જીગાભાઈ કીશાભાઈ બાવળીયા (ઉં.વ.૧૯, બંને રહે.વિઠ્ઠલગઢ)ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 

અકસ્માતની જાણ થતાં વિઠ્ઠલગઢના ગ્રામજનો અને લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતાં પોલીસે ટ્રાફિકને પુર્વવત કરી મૃતદેહોનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પરચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, લખતર-વિરમગામ હાઈવે પર પુરઝડપે અને ગફલતભરી રીતે દોડતા ઓવરલોડ ડમ્પર અને ટ્રકના લીધે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અગાઉ કેટલાક વ્યક્તિઓના મોતના બનાવ પણ બન્યા છે. ત્યારે બેફામ દોડતા ડમ્પરચાલકો અને ટ્રકચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.



Google NewsGoogle News