ધ્રાંગધ્રા તળાવની પાળે લૂંટ ચલાવનારા ત્રણ શખ્સો ઝડપાયા
- યુવકને છરીની અણીએ લૂંટયો હતો
- લૂંટેલી બાઈક અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં તાજેતરમાં લૂંટનો બનાવ બન્યો હતો. જે મામલે યુવકે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સિટી પોલીસ સ્ટાફે લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણના મુળચંદ ગામના અને હાલ મોરબીમાં રહેતા અને સીરામીક એકમમાં નોકરી કરતા ફરિયાદી મયુરભાઈ ઓળકીયા લગ્નપ્રસંગે મુળચંદ આવ્યા હતા અને ત્યાંથી બાઈક લઈ પરત મોરબી તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન ધ્રાંગધ્રા તળાવની પાળ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી પેટના ભાગે છરી રાખી પર્સમાં રહેલી રોકડ તેમજ બાઈકની ચાવી ઝુંટવી બાઈક સહિત રોકડ રકમની લુંટ ચલાવી નાસી છુટયા હતા.
જે મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઈ ભટ્ટી, રસુલ ઉર્ફે ડાડો રહેમાનભાઈ મોવર અને સિકંદરભાઈ દાઉદભાઈ મોવર (તમામ રહે. ધ્રાંગધ્રા)ને લૂંટમાં ગયેલી રોકડ રૂા.૧,૬૦૦ તેમજ લૂંટના બાઈક અને છરી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.