માલવણ હાઈવે પરથી કારમાંથી દારૂ સાથે ત્રણ વ્યક્તિ ઝડપાયા
- સ્થાનિક પોલીસ ઉંઘતી રહી, સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
- બે લાખનો દારૂ જપ્ત, કુલ 7 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બજાણા પોલીસ મથકેની હદમાં માલવણ તરફ જતાં રેલ્વે ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિત લાખોના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને કુલ સાત શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં માલવણ હાઈવે પરથી મોટાપાયે બુટલેગરો દ્વારા બહારના રાજ્યોમાંથી ઈંગ્લીશ દારૂ મંગાવી તેની હેરાફેરી અને કટીંગ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના પીએસઆઈ એ.વી.પટેલઅને ટીમે બાતમીના આધારે માલવણ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં બજાણાથી માલવણ તરફ જતાં રેલ્વે ફાટક પાસેથી એક કાર પસાર થતાં તેને ઉભી રાખી રોકી હતી અને કારની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૬૭૮ બોટલો કિંમત રૂા.૨,૦૬,૭૯૦, મોબાઈલ નંગ-૪ કિંમત રૂા.૨૦,૦૦૦, કાર કિંમત રૂા.૧૦ લાખ મળી કુલ રૂા.૧૨,૨૬,૭૯૦ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો (૧) માંગીલાલ લીંબારામ બીસ્નોઈ (કારચાલક) રહે.રાજસ્થાન (૨) દિનેશકુમાર ભગરાજ બીસ્નોઈ, રહે.રાજસ્થાન (૩) કૈલાશ હરીરામ બીસ્નોઈ રહે.રાજસ્થાનવાળાને ઝડપીપાડયાં હતાં. જ્યારે દિનેશકુમાર અને કૈલાશ કારચાલક માંગીલાલ સાથે મદદમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું .
જ્યારે ઝડપાયેલ આરોપીનોની વધુ પુછપરછ કરતાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ચોટીલા લઈ જવામાં આવી રહ્યો હોવાનું અને અન્ય ચાર શખ્સો રમેશ કાલુરામ બીસ્નોઈ, રહે.રાજસ્થાન (દારૂની લાઈન ચલાવનાર મુખ્ય શખ્સ), રાજુ પરખાભાઈ રબારી રહે.રાજસ્થાન (દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપીનો ભાગીદાર), ઝડપાયેલ કારનો માલીક અને ચોટીલા ખાતે દારૂ લેવા આવનાર અજાણ્યો શખ્સ સામેલ હોવાનું બહાર આવ્યું હતું આથી એસએમસી ટીમે ઝડપાયેલ ત્રણ શખ્સો અને હાજર મળી ન આવેલ ચાર શખ્સો મળી કુલ ૭ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર માલવણ હાઈવે પરથી સ્થાનીક પોલીસની અંધારામાં રાખી એસએમસીની ટીમે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સો ઝડપી પાડયા છે ત્યારે ફરી એકવાર માલવણ હાઈવે પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂ ઝડપાતા સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.