સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનમાં ગેરકાયેદ ચીજવસ્તુઓનું વેચાણ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા
- એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલ્વેસ્ટેશને ટ્રેનના સ્ટોપેજ સમયે અનઅધિકૃત રીતે ચીજવસ્તુઓનું વેચાણ કરતા ત્રણ શખ્સોને રાજકોટ એલસીબી પોલીસ ટીમે ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. રાજકોટ રેલ્વે એલસીબી પોલીસ ટીમે સુરેન્દ્રનગર રેલ્વેસ્ટેશને ચેકીંગ કાર્યવાહી હાથધરી હતી જે દરમિયાન રેલ્વેસ્ટેશન પર અનઅધિકૃત રીતે ચણાદાળનું વેચાણ કરતા પ્રકાશભાઇ દિપકભાઇ ચૌહાણ, શીંગ વટાણાનું વેચાણ કરતા ચીરાગભાઇ જીતેન્દ્રભાઈ શાહ અને સમોસાનું વેચાણ કરતા રામુસિંહ રણવીરસિંહ રાજાવતને ઝડપી લીધા હતાં. ત્રણેય શખ્સો વિરૂધ્ધ સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ મથકે ગેરકાયદેસર પ્રવેશ કરી અનઅધિકૃત રીતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા અંગેની ફરીયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર રેલ્વે પોલીસની સ્થાનિક ટીમને અંધારામાં રાખી રેલ્વે એલસીબી પોલીસ ટીમે દરોડો કરી ત્રણ શખ્સોને ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.