કઠાડા પાસે 2.17 લાખના દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
- એસએમસીએ 14.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- રાજસ્થાનથી સુરેન્દ્રનગર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર આઠ શખ્સો સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દસાડા-પાટડી હાઈવે પર કઠાડા ગામના પાટીયા પાસેથી ૨.૧૭ લાખના ઈંગ્લીશ દારૂ અને બે કાર સહિત ૧૪.૩૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીએ દસાડા પોલીસ મથકે કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર એસએમસી ટીમ દસાડા-પાટડી હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. જેમાં હાઈવે પરથી કારમાં ઈંગ્લીશ દારૂ લાવવામાં આવતો હોવાની બાતમીના આધારે કઠાડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂની ૫૪૩ બોટલો મળી આપી હતી. એસએમસીએ કારચાલક ગણેશરામ ખેમાજી ચૌધરી જાટ, ક્લીનર ઓમપ્રકાશ લક્ષ્મણરામ ચૌધરી જાટ અને અન્ય કાર દ્વારા દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરનાર ચાલક દિપારામ માલારામ ચૌધરી જાટ (ત્રણેય રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.
એસએમસીએ રૂ.૨,૧૭,૨૦૦ની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો, ૩ મોબાઈલ, રોકડ, બે કાર સહિત કુલ રૂ. ૧૪,૩૪,૫૪૦નો મુદ્દામાલ જપ્ત કરી દસાડા પોલીસ મથકે ઝડપાયેલા ત્રણ શખ્સો સહિત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો મુખ્ય આરોપી અને દારૂનો જથ્થો મોકલનાર અમરતભાઈ રબારી, દારૂ ભરેલી કાર આપી જનાર અર્જુન ઉર્ફે ભુરો રબારી (બંને રહે. રાજસ્થાન), સુરેન્દ્રનગર ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો શખ્સ, ઈંગ્લીશ દારૂ ભરેલી કારનો માલીક અને પાયલોટીંગ કારનો માલીક મળી કુલ ૮ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.