ખાખરાથળમાં મકાનમાંથી કેબલ તેમજ ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
- થાન પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો
સુરેન્દ્રનગર : થાન તાલુકાના ખાખરાથળ ગામે ઉતારાના બંધ મકાનમાંથી સર્વિસ વાયર તેમજ કેબલ અને ૩ ઇલેક્ટ્રિક મોટર સહીત ૮૫ હજારના મુદ્દામાલની ચોરીના ગુન્હાનો ભેદ થાન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખી ચોરીને અંજામ આપનાર ખાખરાથળના જ ૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં અને ત્રણેય શખ્સો પાસેથી ચોરી કરેલ કેબલ તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીતની મત્તા કબજે કરી હતી.
થાન તાલુકાના ખાખરાથળ ગામે રહેતા કિરીટસિંહ રઘુવિરસિંહ ઝાલાના ઉતારાના બંધ મકાનમાંથી સવસ વાયર તેમજ કેબલ વાયર અને ૩ ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂપિયા ૮૫૦૦૦ ના મુદ્દામાલની ચોરી અંગે તારીખ ૨ જુલાઇના રોજ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા થાન પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
ત્યારે ચોરીમાં સ્થાનિક જાણભેદુ જ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ખાખરાથળના વિજયરાજસિંહ વાઘુભા ઉર્ફે મુનાભાઇ મકવાણા અને મુનાભાઇ ભરતભાઇ સારદીયા સંડોવાયેલા હોવાની બાતમીના આધારે બન્ને શખ્સોને હસ્તગત કરી પોલીસ મથકે લાવી કડક પુછપરછ હાથ ધરતાં ખાખરાથળના જ વિક્રમભાઇ ઉર્ફે ઘુસી ભગાભાઇ સારદીયાએ ચોરીનો મુદ્દામાલ પોતાનું હોવાનું કહી આ બન્ને શખ્સોને વેચાણથી આપ્યો હોવાની કબુલાત કરતા થાન પોલીસે વિક્રમ સારદીયાને પણ ઝડપી લીધો હતો અને ત્રણેય શખ્સો પાસેથી ચોરી કરેલ સવસ વાયર તેમજ કેબલ વાયર અને ૩ ઇલેક્ટ્રિક મોટર સહીતનો મુદ્દામાલ કબજે કરી વધુ પુછપરછની કામગીરી હાથ ધરવામાં આવી હતી.