ગોવિંદપુર ગામે કાળીયારનો શિકાર કરનાર અન્ય ત્રણ શખ્સો ઝડપાયા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
ગોવિંદપુર ગામે કાળીયારનો શિકાર કરનાર અન્ય ત્રણ શખ્સો ઝડપાયા 1 - image


- એક શિકારીની પુછતાછનાં આધારે કાર્યવાહી 

- ત્રણ દિવસ પહેલા નાઇલોનની જાળમાં કાળીયાર હરણને ફસાવીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું

અમરેલી,ખાંભા : ધારી તાલુકાનાં ગોવિંદપુર ગામે કાળીયારનાં મૃતદેહનાં અવશેષો સાથે પકડાયેલા એક શિકારીની પુછતાછનાં આધારે તપાસ કરીને અન્ય ત્રણ શખ્સોને પણ વનવિભાગે ઝડપી લીધા હતા. આ શખ્સોએ ત્રણ દિવસ પહેલા નાઇલોનની જાળમાં કાળીયાર હરણને ફસાવીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યું હતું.

વિગત પ્રમાણે, ધારી ગીર પુર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ વન સંરક્ષક એસ.આર. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેન્જના પરીક્ષેત્ર વન અધિકારી એમ.આર. ઓડેદરા તથા રાઉન્ડ ફોરેસ્ટરને ગત તા.૧૭ ના રોજ બાતમી મળી હતી કે, ધારી તાલુકાના ગોવીંદપુર ગામે દીનેશભાઈ બટુકભાઈ (રહે.ધારી)ના ખેતર વિસ્તારમાં એક વન્યપ્રાણી કાળીયારને નાઈલોનની બનાવેલ જાળમાં ફસાવીને કુહાડીના ઘા મારી મૃત્યુ નીપજાવી શિકાર કર્યો છે. આ બાતમી મળતા જ દલખાણીયા રાઉન્ડનો સ્ટાફ તથા ક્રાંગસા રાઉન્ડના સ્ટાફ દવારા તાત્કાલીક અલગ-અલગ ટીમો બનાવી ગોવીંદપુર ગામે પહોંચેલ હતા. જ્યાં રમેશ બાલાભાઈ ચારોલા (રહે.ગોવીંદપુર)ના ઘરે તપાસ હાથ ધરતા ત્યાંથી વન્ય પ્રાણીનું મટન જોવા મળેલ હતું. 

આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડીને વધુ પુછપરછ માટે કેસરી સદન, ધારી ખાતે લઈ આવેલ તેમજ સ્ટાફ તથા પંચો રૂબરૂ વન્યપાણીનું મટન, છરી, કુહાડી, મોટરસાઈકલ તથા તગારૂ કબ્જે લઈ વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ ની કલમો હેઠળ ગુન્હો નોંધી વન્યપ્રાણીના માંસની ઓળખ કરવા માટે વેટનરી ડોક્ટરને મોકલવામાં આવેલ. વેટનરી ડોક્ટર દ્વારા વન્ય પ્રાણીના માંસ તથા અન્ય અવયવોનું જીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ ખાત્રી કરેલ કે, આ વન્ય પ્રાણી કાળીયાર હોવાનું જણાય આવેલ છે. 

આ ગુન્હો આચરેલ આરોપીની પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમોના નામ ખુલવા પામેલ, જેમાં પ્રવીણ બચુભાઈ ચારોલા, મુકેશ બાલાભાઈ ચારોલા તથા બાલા મનજીભાઈ ચારોલા (રહે. તમામ ગોવીંદપુર, તા. ધારી) સહિત ચારેય આરોપીઓ દવારા શેડયુલ-૧ માં આવતા વન્યપ્રાણી કાળીયાર જીવ-૧ નું શિકાર કરી બીન જામીનપાત્ર ગુન્હો આચરેલ છે. આ બનાવમાં તહોમતદારોની જામીન અરજી રદ થતા ઝડપાયેલા તમામ આરોપીને પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



Google NewsGoogle News