કડુ-ઓળક વચ્ચે કાર પલટી જતાં ત્રણને સામાન્ય ઈજા
- ટાયર ફાટતા રસ્તાની સાઈડમાં ખાબકી
- અમદાવાદનો પરિવાર લખતરમાં માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો
સુરેન્દ્રનગર : અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.
કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.૬૫) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.