બુબવાણા નજીક ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયરને અડી જતાં ત્રણ પરપ્રાંતિય શ્રમિકોના મોત
- કપાસ વિણવા જતાં શ્રમિકોને અકસ્માત નડયો
- અન્ય છ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયાં : પીજીવીસીએલની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના બુબવાણા ગામ પાસે ટ્રેક્ટરમાં બેસી ખેતીકામ કરવા જઈ રહેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયર સાથે અડી જતા વીજશોક લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
બુબવાણા ગામ પાસે પરપ્રાંતીય શ્રમિકો ટ્રેક્ટરમાં બેસી ખેતરમાં કપાસ (કાલા) વીણવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક ટ્રેકટરની ટ્રોલી ઉપરથી પસાર થઈ રહેલા વીજ વાયરને અડી જતા ટ્રેકટરમાં સવાર ત્રણ પરપ્રંતીય શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ૬ શ્રમિકો ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે આ બનાવની જાણ થતાં દસાડા પીએસઆઈ સહિત પાટડી પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને શ્રમિકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું હતું અને વીજશોકના કારણે ટ્રેકટરના આગળના ભાગના ચાર ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે ત્રણ શ્રમિકોના મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, ગામના સરપંચ દ્વારા અગાઉ પણ પીજીવીસીએલ તંત્રને ગામમાં નીચા વીજવાયરો હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ અંગે લેખીત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી ના હોવાથી શ્રમિકો ભરી જઈ રહેલી ટ્રેકટરની ટ્રોલી વાડીએ પહોંચે તે પહેલા જ વીજ વાયર સાથે અડી જતા વીજશોકથી ત્રણ પરપ્રાંતીય શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યાં છે.
મૃતકો અને ઈજાગ્રસ્તોના નામ
મૃતકો : (૧) ઉર્મીલાબેન અજયભાઈ (ઉં.વ.૨૫), (૨) લાડુબેન ભરમાભાઈ (ઉં.વ.૫૦) અને (૩) કાજુભાઈ મોહનભાઈ (ઉં.વ.૩૫)
ઈજાગ્રસ્તો : (૧) બાલીબેન લાભુભાઈ (૨) નરેશભાઈ મોહનભાઈ (૩) સુરમજી નીકેતભાઈ (૪) સુખીબેન કાળુભાઈ (૫) રુદ્ર કાજુભાઈ અને અન્ય એક શખ્સ.