મૂળી ગામે કોલસાની ખાણમાં ખોદકામ દરમિયાન ગેસ ગળતરથી 3 મજૂરોના મોત, 700 રૂપિયા ચુકવાતી હતી મજૂરી

Updated: Jul 15th, 2024

Google NewsGoogle News
Mining


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના  મૂળી તાલુકાના ભેટ ગામે  સરકારી જમીનમાં ગેરકાયદે કોર્બોસેલની ખાણમાં ખોદકામ કરતા ત્રણ મજૂરોના મોત ગેસ ગળતરથી થયા હોવાનો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે.  મજૂરોને કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર આશરે 200 ફૂટ ઉંડી કોર્બોસેલની ખાણમાં ખોદકામ કરવા ઉતારવામાં હોવાનું જાણવા મળે છે. આ કેસમાં ગેરકાયદે ખોદકામ કરાવનાર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ, મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત ચાર જણા સામે સઅપરાધ માનવવધ અંગેનો ગુનો મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. 

મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં આવેલ કોલસાની ખાણનો કુવો જે તંત્ર દ્વારા અગાઉ પુરી  નાંખવામાં આવ્યો હતો તેને ચાર શખ્સો દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે ખોદવા માટે ત્રણ શ્રમિકોને રાખ્યા હતા . ત્રણ શ્રમિકો  કોલસાની ખાણના કુવાનું ખોદકામ કરી રહ્યાં હતાં તે દરમ્યાન કુવામાંથી  ઝેરી ગેસ નીકળતા ત્રણેય શ્રમિકોના ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા. 

જે અંગેની જાણ થતાં મૃતક શ્રમિકોના પરિવારજનો સહિત આગેવાનો ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને આ મામલે જિલ્લા ખાણ ખનીજ વિભાગ, મૂળી પોલીસ તેમજ મામલતદારને જાણ કરવામાં આવી હતી. આથી તમામ ટીમો પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય શ્રમિકોના મૃતદેહને બહાર કાઢી શનિવારની મોડીરાત્રે પીએમ અર્થે મૂળી ચસરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા .

બીજે દિવસે  રવિવારે તમામ શ્રમિકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. કોલસાની ખાણનું ગેરકાયદે ખોદકામ કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી . જે મામલે મૂળી પોલીસ મથકે મૃતકના પિતા સવશીભાઈ ડાભીએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. 

ત્યારે આ સમગ્ર બનાવમાં તંત્ર દ્વારા સરકારી ખરાબામાં કોલસાની ખાણનો કુવો પુરી દીધો હતો  અને આ પુરી દેવાયેલા  કુવાનું  સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદ્દસ્યના પતિ તેમજ મૂળી તાલુકાના પંચાયતના કારોબારી ચેરમેન સહિત અન્ય બે શખ્સો ગેરકાયદેસર રીતે શ્રમિકોને રાખી ખોદકામ કરાવતા હોવાનું સામે આવ્યું છે. 

તેમજ ત્રણેય શ્રમિકોને કોઈપણ જાતના હેલ્મેટ કે સુરક્ષા, સલામતીના સાધનો કે ઓક્સીજન તેમજ માસ્ક વગર કોલસાનો કુવો ખોદવા આશરે 200 ફૂટ નીચે ઉતાર્યા હોવાનું જાણવામળે છે. આથી ચારેયની બેદરકારીના કારણે ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને માનવ વધ સા૫રાધ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભેટ ગામે ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા તે સમગ્ર બનાવ સરકારી જમીનમાં બન્યો છે ત્યારે આ કેસમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજચોરી થતાં આ દુઃખદ ઘટના બની હતી. આથી કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ લોકો સહિત જાગૃત આગેવાન રાજુભાઈ કરપડાએ માંગ કરી છે.

મૃતકોના નામ

(1) લક્ષ્મણભાઈ સવશીભાઈ ડાભી (ઉ.વ.35, રહે.સાગધ્રા, તા.મૂળી)

(2) વિરમભાઈ કુકાભાઈ કેરાળીયા (ઉ.વ.35, રહે.ઉંડવી, તા.થાન)

(3) ખોડાભાઈ વાધાભાઈ મકવાણા( ઉ.વ.32, રહે.ઉંડવી, તા.થાન)

આરોપીઓના નામ

(1) ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા રહે.રાયસંગપર તા.મૂળી (જીલ્લા પંચાયત સદ્દસ્યના પતિ)

(2) કલ્પેશભાઈ કેસાભાઈ પરમાર રહે.ખંપાળીયા તા.મૂળી (કારોબારી ચેરમેન તાલુકા પંચાયત)

(3) જનકભાઈ જીવણભાઈ અણીયારીયા( રહે.રાયસંગપર તા.મૂળી )

(4) જશાભાઈ રધાભાઈ કેરાળીયા (રહે.ઉંડવી તા.થાન)

ખોદકામ પેટે રોજની 700 રૂપિયા મજૂરી ચુકવાતી હતી

જ્યારે મૃતક શ્રમિકોના પરિવારોજનોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા બુરી નાંખવામાં આવેલ કોલસાના કુવાના ખોદકામ માટે ચારેય શખ્સો દરેક શ્રમિકને દરરોજ રૂપિયા 700 લેખે મજુરી ચુકવતા હતા અને સવારથી સાંજ સુધી ખોદકામ કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. મૂળીના ભેટ ગામે ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત મામલે ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ જીલ્લા પંચાયતના સદ્દસ્યના પતિ સહિત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિતનાઓ સામે ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે અને સમગ્ર મામલાને દબાવવાનો રાજકીય આકાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલે કોઈપણ જાતની સેહશરમ વગર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Google NewsGoogle News
Gujarat