ટેન્કરની અડફેટે બાઈક સવાર દાદા-પૌત્ર સહિત ત્રણના મોત
- માલવણ હાઈવે પર મજેઠી અને રાજપર વચ્ચે
- બે બાળકીઓને ઈજા પહોંચી : બાળકોની સ્કોલરશીપ લેવા ભડેણાથી કમાલપુર જતાં હતાં
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર ગામ વચ્ચે દુધના ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દાદા-પૌત્ર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યાર ેબે બાળકીઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પાટડી તાલુકાના ભડેણા ગામે રહેતા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી (ઉં.વ.૬૦) પોતાના ૮ વર્ષના પૌત્ર રોનક મેરૂભાઈ પાંચાણી અને સાળા ઘનશ્યામભાઈ ઝાપડીયા તેમજ બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાપડીયા અને અંજનીબેન મેરૂભાઈ પાંચાણી મળી કુલ પાંચ વ્યક્તિઓ એક જ બાઈક પર ભડેણાથી કમાલપુર ખાતે આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં બાળકોના સ્કોલરશીપની રકમ ઉપાડવા માટે જઈ રહ્યાં હતાં.
તે દરમિયાન સામે મજેઠી ગામેથી પુરપાટ ઝડપે આવી રહેલા દુધના ટેન્કરચાલકે બાઈક સાથે ધડાકા ભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દુધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમાં જતું રહ્યું હતું. જ્યારે બાઈક પર સવાર તમામ લોકો રોડ પર પટકાયાં હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેસભાઈ પાંચાણી (દાદા) અને રોનક પાંચાણી (પૌત્ર)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાળા ઘનશ્યામભાઈ અને બે દીકરીઓ આરતીબેન અને અંજનીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ઘનશ્યામભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ગોજારા અકસ્માતમાં અંજનીબેનને નાની-મોટી ઈજાઓ પહોંચતા આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિતના આગેવાનો, ગ્રામજનો અને પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બજાણા પોલીસને પણ જાણ થતાં અકસ્માત સ્થળે પહોંચી મૃતકોની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
તેમજ અકસ્માત બાદ નાસી છુટેલા ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.