જામજોધપુરમાં ડિવાઇડર પર બેઠેલા ત્રણ મિત્રોને ટ્રકે કચડયા, એકનું મોત

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
જામજોધપુરમાં ડિવાઇડર પર બેઠેલા ત્રણ મિત્રોને ટ્રકે કચડયા, એકનું મોત 1 - image


ગીંગણી રોડ પર કોમર્સ કોલેજ સામેનો બનાવ

નોકરી કરતા હતભાગી યુવાન સહિત ત્રણે'ય મિત્રો સાથે વોકિંગ કર્યા બાદ બેઠા - બેઠા વાતચીત કરતા હતા

જામજોધપુર, જામનગર: જામજોધપુરમાં ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. ત્રણ જીગરજાન મિત્રો ડિવાઇડર પર બેઠા હતા, જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા એક આઈશર ટ્રકનાં ચાલકે બેકાળજીપૂર્વક પોતાનું વાહન ત્રણેય યુવાનો પર ચડાવી દીધું હતું, જેમાં એક યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા હતા. પોલીસે આઇસર ચાલકને અટકાયતમાં લઈ ગુનો નોંધ્યો છે. આ અકસ્માતને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે શોક છવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં બહુચરાજીના મંદિર પાછળ રહેતો અને સહકારી મંડળીમાં નોકરી કરતો વિમલ કાંતિભાઈ ભાલોડીયા તેમજ તેના બે મિત્રો મીત હરેશભાઈ રામોલિયા અને હષલ રોહિતભાઈ ખાંટ કે જે ત્રણેય ગઈકાલે રાત્રિના ૧૧.૦૦ વાગ્યાના અરસામાં વોકિંગ કર્યા બાદ ગીગણી રોડ પર કોમર્સ કોલેજની સામેના ભાગમાં આવેલા ડિવાઇડર પર બેઠા હતા.

 જે દરમિયાન ગીગણી ગામ તરફથી પુરપાટ આવી રહેલા જી.જે. -૨૭-એક્સ ૬૫૯૩નંબરના આઇસરના ચાલકે પોતાનું વાહન ડિવાઇડર પર ચડાવી દેતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.  જે અકસ્માતમાં ત્રણેય યુવાનો પર આઇશર ફરી વળ્યું હતું. 

જે પૈકી વિમલ ભાલોડીયાને ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હોવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે તેના અન્ય મિત્રો ઘાયલ થવા થયા હોવાથી જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.

આ બનાવની જાણ પોલીસને થવાથી જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે. વાઘેલા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ આઇસર ચાલકને ઝડપી લીધો હતો, જ્યારે ડિવાઇડર પર ચડી ગયેલું તેનું વાહન કબજે કર્યું છે. તેને ત્રણે'ય યુવાનોને આ ઉપરાંત વીજી પોલ ભાંગી નાખીને પણ નુકસાન પહોંચાડયું હતું. જે સમગ્ર મામલે મૃતક વિમલભાઈના કાકા નંદલાલભાઈ ભાલોડીયાએ જામજોધપુર પોલીસ મથકમાં આઈસર ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.


Google NewsGoogle News